
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પોલીસ વિભાગ દ્વારા ઇંધણ બચત તેમજ પર્યાવરણ સંરક્ષણ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે વઘઇ ટાઉન વિસ્તારમાં વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ રેલી ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન અને સૂચના હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીની રાહબરીમાં યોજાઈ હતી.વઘઇ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડા તથા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના આશરે 250 જેટલા જવાનોએ હાથમાં જનજાગૃતિના બેનરો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી યોજી હતી.આ રેલી દરમિયાન માઇક દ્વારા નાગરિકોને પેટ્રોલ અને ડીઝલ જેવા કિંમતી ઇંધણનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.સાથે સાથે જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ)નો વધુ ઉપયોગ કરવા, અનાવશ્યક વાહનવ્યવહાર ટાળવા, કાર-પૂલિંગ અપનાવવા તેમજ નજીકના અંતરે પગપાળા અથવા સાયકલનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.આ ઉપરાંત વાહનોનું નિયમિત મેન્ટેનન્સ રાખવાથી ઇંધણ બચત શક્ય બને છે તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી પણ ઇંધણની બચત અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.“ઇંધણ બચાવવું એટલે દેશ અને પર્યાવરણ બંનેનું રક્ષણ” એવો સકારાત્મક સંદેશ ડાંગ પોલીસ વિભાગ દ્વારા આ રેલી મારફતે નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.





