BANASKANTHAPALANPUR

બનાસકાંઠા SPCAની સરાહનીય કામગીરી: કતલખાનેથી બચાવાયેલા પશુઓના નિભાવ માટે પાંજરાપોળને આર્થિક સહાય

19 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ડીસાની રાજપુર પાંજરાપોળને પશુઓના નિભાવ અર્થે કલેકટરશ્રી મિહિર પટેલના હસ્તે રૂ.૨૦ લાખથી વધુની ગ્રાન્ટનો ચેક એનાયત કરાયો
ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા પશુઓને પોલીસ એફ.આઈ.આર. હેઠળ પકડી તેમની દેખભાળ અને ભરણપોષણ માટે શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસા ખાતે મોકલવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA)ને આ પશુઓના નિભાવ ખર્ચ પેટે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા પશુઓને બનાસકાંઠા પોલીસ વિભાગના સહયોગથી પકડીને શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસા ખાતે મોકલવામાં આવ્યા હતા. આ પશુઓના નિભાવ હેતુ તા. ૧૮/૦૫/૨૦૨૬ના રોજ શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસાને પશુઓની દેખભાળ અને ભરણપોષણ માટે કુલ રૂ. ૨૦,૦૦,૨૫૦/-નો ચેક બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA)ના અધ્યક્ષ તથા કલેક્ટરશ્રી મિહિર પટેલના હસ્તે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી ભરતભાઈ વારિયા અને શ્રી જગદીશભાઈ સોલંકીને એનાયત કરવામાં આવ્યો હતો.શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસા સંસ્થા બનાસકાંઠા જિલ્લામાં કતલખાને લઈ જવાતા પશુઓને આશ્રય, ખોરાક અને સારવાર પૂરી પાડી ઉત્તમ જીવદયાનું કાર્ય કરી રહી છે. અધ્યક્ષશ્રી તથા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્વારા જીવદયા અને પ્રાણી કલ્યાણ સંબંધિત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ નાયબ પશુપાલન અધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!