AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

સાયન્સ સિટીમાં ગ્રાસરૂટ્સ ઇનોવેશનને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપતી નેશનલ વર્કશોપનો પ્રારંભ, દેશભરના ૨૦૦થી વધુ પ્રતિનિધિઓ જોડાયા

અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે: ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ્સ’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉદ્ઘાટન સમારોહે દેશના પાયાના સંશોધનો અને સ્થાનિક ઇનોવેશનને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડવાના પ્રયાસોને નવી દિશા આપી છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF) દ્વારા આયોજિત આ બે દિવસીય નેશનલ વર્કશોપમાં દેશભરમાંથી આશરે ૨૦૦ જેટલા પ્રતિનિધિઓ, વૈજ્ઞાનિકો, ઇનોવેટર્સ, નીતિનિર્માતાઓ, ટેક્નોલોજી ઇન્ક્યુબેટર્સ અને સંશોધન સંસ્થાઓના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

વર્કશોપનો મુખ્ય હેતુ દેશના ગામડાઓ, નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં રહેલા સ્થાનિક ઇનોવેટર્સને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમના સંશોધનોને ટેક્નોલોજી, ઉદ્યોગ અને માર્કેટ સાથે જોડવાનો છે. કૃષિ, પાણી સંરક્ષણ, હેલ્થકેર, ગ્રામિણ જીવન, ક્લાઈમેટ રેઝિલિયન્સ અને પરંપરાગત હુનર જેવા ક્ષેત્રોમાં થતી નવીન પહેલોને ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ કેવી રીતે મળી શકે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે ભારત પાસે અદભૂત માનવસંસાધન શક્તિ છે અને આજના સમયમાં દેશના અડધાથી વધુ સફળ સ્ટાર્ટઅપ્સ ટીયર-૨ અને ટીયર-૩ શહેરોમાંથી ઊભરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પાયાના સ્તરે થતા સંશોધનો અને સ્થાનિક નવીનતાઓને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને તેને વૈશ્વિક સ્તરે પહોંચાડવાની જરૂર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાના ગામડાંઓમાં રહેલા કારીગરો, ખેડૂતો અને યુવાનો પાસે અસાધારણ સર્જનાત્મકતા છે. જો આ ઇનોવેશન્સને યોગ્ય માર્ગદર્શન, ફંડિંગ અને ટેક્નોલોજીકલ સપોર્ટ મળે તો તે દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ શક્તિ બની શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકલ ઇનોવેશનને સ્કેલ અપ કરીને કોમ્યુનિટી ઇનોવેશનનું સ્વરૂપ આપવું સમયની માંગ છે.

કેન્દ્રીય મંત્રીએ પીએમ વિશ્વકર્મા યોજના અંગે પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે પરંપરાગત હુનર અને આધુનિક ટેક્નોલોજી વચ્ચેનો સમન્વય રોજગારી વધારવા માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે. દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેલી પ્રતિભાઓને આગળ લાવીને પ્રાદેશિક અસમાનતા ઘટાડવામાં પણ આ પહેલો અસરકારક સાબિત થશે.

ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. આજે દેશભરમાં લાખો સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, પરંતુ ગ્રાસરૂટ્સ ઇનોવેશનનું મહત્વ સૌથી વિશેષ છે.

તેમણે જણાવ્યું હતું કે આપણા ગામડાઓમાં રહેલી પરંપરાગત બુદ્ધિ અને કૌશલ્યને આધુનિક ડિઝાઇન અને માર્કેટ સાથે જોડવાની જરૂર છે. પાટણના પટોળા, સુરેન્દ્રનગરના વણાટકામ અને સ્થાનિક કૃષિ આધારિત સાધનો જેવા ઉદાહરણો દર્શાવે છે કે સ્થાનિક સંશોધન અને હસ્તકલા વૈશ્વિક બજારમાં આગવી ઓળખ ઉભી કરી શકે છે.

મંત્રીએ નવી શિક્ષણ નીતિ (NEP) અંગે વાત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં ક્રિએટિવિટી, ઇનોવેશન અને પ્રોબ્લેમ સોલ્વિંગ ક્ષમતાનો વિકાસ કરવો આજની સૌથી મોટી જરૂરિયાત છે. વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દરેક યુવાનને કૌશલ્ય અને ટેક્નોલોજી સાથે જોડાવું પડશે.

આ વર્કશોપ દરમિયાન સ્થાનિક ઇનોવેશન્સના આઈડેન્ટિફિકેશન, વેલિડેશન, ઇન્ક્યુબેશન, IPR પ્રોટેક્શન અને સ્કેલિંગ માટે મજબૂત ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ કેવી રીતે વિકસાવી શકાય તે અંગે વિશેષ સત્રો યોજાયા હતા. સાથે સાથે ઇન્ટર-સ્ટેટ કોલેબોરેશન અને ટેક્નોલોજી ટ્રાન્સફર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

નીતિ આયોગના પૂર્વ સભ્ય અને DRDOના પૂર્વ ચેરમેન ડૉ. વી. કે. સારસ્વત, INSAના પૂર્વ પ્રેસિડેન્ટ અને પૂર્વ DST સચિવ પ્રો. આશુતોષ શર્મા તેમજ NIFના અધ્યક્ષ પ્રો. અનિલ સહસ્રબુદ્ધેએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સંશોધનોને વૈજ્ઞાનિક દ્રષ્ટિ, ટેક્નિકલ સપોર્ટ અને નીતિગત સહાય મળે તો ભારત વૈશ્વિક ઇનોવેશન હબ તરીકે વધુ મજબૂત બની શકે છે.

સાયન્સ સિટીમાં યોજાયેલી આ નેશનલ વર્કશોપ દેશના સ્થાનિક ઇનોવેટર્સને નવી ઓળખ અને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે આ પ્રકારના કાર્યક્રમો ભારતને સસ્ટેનેબલ, ઇન્ક્લુઝિવ અને ટેક્નોલોજી આધારિત વિકાસ તરફ આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Back to top button
error: Content is protected !!