જનગણના-૨૦૨૭ માટે અમદાવાદમાં ડિજિટલ સ્વ-ગણતરી અભિયાન શરૂ, કલેક્ટર ભવ્ય વર્માએ નાગરિકોને ઓનલાઈન સહભાગી થવા કર્યો અનુરોધ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં જનગણના-૨૦૨૭ની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ સ્વ-ગણતરી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવીને સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગીતા નોંધાવી હતી. આ સાથે તેમણે શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને પણ ડિજિટલ માધ્યમ દ્વારા જનગણનાની પ્રક્રિયામાં જોડાવા અપીલ કરી હતી.
કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે દેશની જનગણના માત્ર આંકડાકીય પ્રક્રિયા નહીં પરંતુ વિકાસયાત્રાનું મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. જનગણના દ્વારા પ્રાપ્ત થતી માહિતીના આધારે સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, શહેરી વિકાસ, પરિવહન અને કલ્યાણકારી યોજનાઓની અસરકારક યોજના બનાવવામાં આવે છે. તેથી દરેક નાગરિકની સાચી અને સમયસર માહિતી અત્યંત મહત્વપૂર્ણ છે.
તેમણે જણાવ્યું હતું કે આગામી તા. ૧ થી ૩૦ જૂન દરમિયાન જનગણનાના પ્રથમ તબક્કા હેઠળ ગણતરીદારો ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરશે. આ દરમિયાન નાગરિકોએ પોતાની વિગતો સચોટ રીતે નોંધાવવી જરૂરી છે, જેથી સમગ્ર પ્રક્રિયા વધુ વિશ્વસનીય અને અસરકારક બની શકે.
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે જનગણના-૨૦૨૭ સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં હાથ ધરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલ આધારિત સિસ્ટમ દ્વારા નાગરિકો હવે ઘરે બેઠા સરળતાથી પોતાની વિગતો નોંધાવી શકે છે. નાગરિકો તા. ૩૧ મે, ૨૦૨૬ સુધી https://se.census.gov.in/ પોર્ટલ પર જઈને જરૂરી માર્ગદર્શન અનુસાર પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકશે.
આ ડિજિટલ વ્યવસ્થાથી નાગરિકોને લાંબી પ્રક્રિયા અથવા ઓફિસોના ચક્કર લગાવવાની જરૂર રહેશે નહીં. કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઇલ, લેપટોપ અથવા કમ્પ્યુટર દ્વારા ગમે ત્યાંથી સુરક્ષિત રીતે માહિતી સબમિટ કરી શકશે. આ સાથે માહિતીની ચોકસાઈમાં વધારો થશે તેમજ સમય અને માનવશક્તિ બંનેની બચત થશે.
જિલ્લા પ્રશાસન દ્વારા જનગણના અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવા માટે વિવિધ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા, શૈક્ષણિક સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ અને જાહેર સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો યોજીને નાગરિકોને સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ડિજિટલ સ્વ-ગણતરી અભિયાનથી યુવાનો અને ટેક્નોલોજી સાથે જોડાયેલા નાગરિકોમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ પહેલને કારણે સમગ્ર જનગણના પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રશાસન દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે દરેક નાગરિકની ભાગીદારી વિના સફળ અને સર્વસમાવેશી જનગણના શક્ય નથી. તેથી શહેર-જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રીય સ્તરની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિય સહભાગી બની દેશના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.





