
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વસ્તી ગણતરી ૨૦૨૬માં આદિવાસી બોલીઓ અને ધર્મને અલગ ઓળખ આપવા માંગ સાથે ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલને લખ્યો પત્ર
નવસારી, તા. ૨૧: આગામી વસ્તી ગણતરી-૨૦૨૬ની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની મૂળ બોલીઓ, સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખને સરકારી રેકોર્ડમાં યોગ્ય સ્થાન મળે તે માટે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખી મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે.
પત્રમાં જણાવાયું છે કે, વસ્તી ગણતરી દેશ અને રાજ્યની ભવિષ્યની નીતિઓ ઘડવાનો મુખ્ય આધાર હોવાથી આદિવાસી સમાજની ભાષા, સંસ્કૃતિ અને ઓળખનું સાચું દસ્તાવેજીકરણ અનિવાર્ય છે. ભૂતકાળના આંકડાઓ અને હાલની જમીની હકીકતને જોતા આદિવાસી બોલીઓ કાળક્રમે સરકારી ચોપડામાંથી અદૃશ્ય થતી જઈ રહી છે.
ડો. પટેલે ઉલ્લેખ કર્યો છે કે વર્ષ ૧૯૬૧ની વસ્તી ગણતરીમાં દેશભરમાં ૧૬૫૨ ભાષાઓ અને બોલીઓ નોંધાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જનજાતિ સમુદાયોની બોલીઓ સામેલ હતી. પરંતુ ૧૯૭૧ બાદ ૧૦ હજારથી ઓછી વસ્તી ધરાવતી ભાષાઓને અલગ રીતે ન દર્શાવવાના નિયમને કારણે હજારો બોલીઓ સત્તાવાર યાદીમાંથી બહાર થઈ ગઈ.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વસતા ચૌધરી, ગામીત, ધોડિયા, વસાવા, કુકણા, વારલી, કોટવાળિયા, નાયકા અને ભીલી જેવી જનજાતિઓ પોતાની અલગ બોલી અને સાંસ્કૃતિક પરંપરા ધરાવે છે. છતાં વસ્તી ગણતરી દરમિયાન જાગૃતિના અભાવે અથવા ગણતરીકારોની ઉતાવળને કારણે તેમની મૂળ બોલી બદલે સીધી “ગુજરાતી” નોંધાઈ જાય છે, જેના કારણે આદિવાસી ભાષાઓના વાસ્તવિક આંકડા મળતા નથી.
પત્રમાં આદિવાસી ધર્મ અને ઓળખના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બ્રિટિશકાળ દરમિયાન ૧૮૭૧થી ૧૯૪૧ સુધીની વસ્તી ગણતરીમાં આદિવાસીઓ માટે અલગ ઓળખ આપવામાં આવતી હતી, જ્યારે ૧૯૫૧માં અનુસૂચિત જનજાતિ માટે અલગ કોલમ હતી. પરંતુ ૧૯૬૧ પછી આ વ્યવસ્થા દૂર થતા આદિવાસીઓની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખના સાચા આંકડા ઉપલબ્ધ નથી રહેતા.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડો. નિરવ પટેલે વસ્તી ગણતરી ૨૦૨૬ના ડિજિટલ પોર્ટલ અને ફોર્મમાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાની માંગ કરી છે. જેમાં માતૃભાષાના વિભાગમાં “અન્ય/નવી બોલી ઉમેરો” (Add Other/New Dialect) નામે ઓપન ટેક્સ્ટ વિકલ્પ ઉમેરવાની માંગ કરવામાં આવી છે, જેથી લોકો પોતાની ચોક્કસ બોલી જેમ કે ગામીત, કુકણા, ચૌધરી અથવા વારલી સ્પષ્ટપણે નોંધાવી શકે.
તે ઉપરાંત ધર્મના વિભાગમાં “આદિવાસી” અથવા “ટ્રાઇબ્સ” નામે અલગ વિકલ્પ સાથે પેટા-ઓપ્શન તરીકે સરના, ભીલ, ગૌંડી વગેરે લખી શકાય તેવી સુવિધા આપવા પણ રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં વધુમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરજ પર મુકાયેલા ગણતરીકારોને વિશેષ તાલીમ આપવાની માંગ કરાઈ છે, જેથી તેઓ લોકોની મૂળ બોલી પૂછ્યા વિના સીધી “ગુજરાતી” નોંધતા ન રહે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક માધ્યમો દ્વારા સ્થાનિક ભાષામાં જાગૃતિ અભિયાન ચલાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. ડો. પટેલે જણાવ્યું છે કે આ સુધારાઓ થવાથી બંધારણની કલમ ૩૫૦A અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક બોલીઓમાં પ્રાથમિક શિક્ષણ માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરી શકાશે. સાથે જ ટ્રાઇબલ સબ-પ્લાન હેઠળ આદિવાસી કલા, સાહિત્ય અને સંસ્કૃતિના સંરક્ષણ માટે વિશેષ બજેટ ફાળવણી શક્ય બનશે.સીસ્થાનિક વહીવટ, આશા વર્કર્સ અને પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં સ્થાનિક બોલી જાણતા ઉમેદવારોને પ્રાધાન્ય મળવાથી સરકારી યોજનાઓ છેવાડાના ગામ સુધી અસરકારક રીતે પહોંચી શકશે. ઉપરાંત વનસંવર્ધન, હર્બલ દવાઓ અને પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ પણ શક્ય બનશે. અંતમાં ડો. નિરવ પટેલે જણાવ્યું છે કે, “જો આદિવાસીઓની બોલીઓ અને ઓળખ જ નહીં બચે તો તેમનું સાહિત્ય અને સંસ્કૃતિ પણ નષ્ટ થઈ જશે. તેથી વસ્તી ગણતરી ૨૦૨૬ના ફોર્મ અને એપમાં આદિવાસી સમાજને પોતાની સાચી ઓળખ નોંધાવી શકે તેવી ઓનલાઈન સુવિધા ઉમેરવી અત્યંત જરૂરી છે.”




