
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારાના વિકાસ માટે પોતાની પેઢીઓની જમીન ગુમાવનાર સ્થાનિક આદિવાસી વિસ્થાપિત પરિવારો આજે પણ રોજગાર અને જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે.બીજી તરફ સરકાર દ્વારા તેમના ઉત્થાન માટે કરોડોના ખર્ચે ઉભી કરાયેલી યોજનાઓ પર ભ્રષ્ટાચારીઓ અને પરપ્રાંતિય તત્વોએ કબજો જમાવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.મળતી માહિતી મુજબ સ્થાનિક આદિવાસી વિસ્થાપિતોને રોજગારી અને વેપાર માટે તક મળે તે હેતુથી રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા અંદાજે રૂ. 3 કરોડના ખર્ચે 30 આધુનિક દુકાનો ધરાવતું “રેંકડી બજાર” બનાવવામાં આવ્યું હતુ.પરંતુ આ બજારનું સંચાલન નોટિફાઇડ એરિયા કચેરીને સોંપાયા બાદ મૂળ હકદાર આદિવાસીઓને અવગણીને પરપ્રાંતિય ઈસમોને નજીવા દરે દુકાનો ફાળવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.વહીવટી તંત્ર દ્વારા આ દુકાનો ભાડે આપી કમાણીનો ધંધો શરૂ કર્યાનો આક્ષેપો થઈ રહ્યા છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ ફાળવણી મેળવનારાઓએ દુકાનો જાતે ચલાવવાના બદલે બહારગામના વેપારીઓને ભાડે આપી કમાણીનું સાધન બનાવી દીધું છે.પરિણામે જે આદિવાસી પરિવારોના હિત માટે યોજના બનાવાઈ હતી, તે જ પરિવારો આજે પણ બેરોજગારી અને ગરીબી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે.ઉલ્લેખનીય છે કે 1લી મે 1966 પહેલાં સાપુતારા વિસ્તારમાં આશરે 100થી 150 આદિવાસી પરિવારો વસવાટ કરતા હતા. ગિરિમથકના વિકાસ માટે આ પરિવારોને તેમની મૂળ જમીનમાંથી હટાવી નવાગામ ખાતે વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. તે સમયે સરકાર દ્વારા રોજગાર અને ધંધામાં પ્રાથમિકતા આપવાની ખાતરી આપવામાં આવી હતી.પરંતુ ચાર દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક પરિવારોને ન તો સ્થાયી રોજગાર મળ્યો છે અને ન તો વેપાર માટે દુકાનની ફાળવણી થઈ છે.વિસ્થાપિતોના જણાવ્યા અનુસાર સરકારે નજીવું વળતર ચૂકવી તેમને જમીનવિહોણા બનાવી દીધા હતા.હાલ નવાગામના મોટા ભાગના પરિવારો ખેતી વિના મજૂરી, લારી-ગલ્લા અને રોજંદી કમાણી પર જીવન ગુજારવા મજબૂર બન્યા છે.બીજી તરફ કરોડોના ખર્ચે ઉભી કરાયેલી સુવિધાઓનો લાભ બહારથી આવેલા લોકો ઉઠાવી રહ્યા હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સરકારની યોજનાઓનો લાભ મૂળ હકદાર આદિવાસીઓને જ ન મળે તો વિકાસના દાવાનો અર્થ શું ?સ્થાનિકોમાં ચર્ચા છે કે શું નોટિફાઇડ એરિયા કચેરીએ ફાળવણી પ્રક્રિયામાં નિયમોનો ભંગ કર્યો ? શું સમગ્ર મામલે કોઈ રાજકીય અથવા વહીવટી સાંઠગાંઠ કાર્યરત છે ? તેવા અનેક સવાલો હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.હાલમાં સ્થાનિક આદિવાસી પરિવારો અને સામાજિક આગેવાનો દ્વારા ડાંગ જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર એન.ડી. પરમાર સમક્ષ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરી “રેંકડી બજાર”ની ફાળવણી પ્રક્રિયાની ચકાસણી કરવાની તેમજ મૂળ હકદાર આદિવાસી વિસ્થાપિતોને ન્યાય અપાવવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે.સ્થાનિકોનું માનવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આદિવાસી હિત અને વિકાસના નામે ચાલતી યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી જશે..





