AHAVADANG

સાપુતારા માલેગામ પાસે સિમેન્ટનાં પતરા ભરેલા ટ્રકે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતા 9 લોકો ઘવાયા…

 

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા માલેગામ ટોલ બુથ નજીક આજે સિમેન્ટના પતરાનો જથ્થો ભરેલા એક લોડિંગ ટ્રકે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કુલ 9 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા ટોલ બુથ નજીકથી પસાર થતા પ્રવાસીઓ સહીત સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રના નાસિક તરફથી સિમેન્ટના પતરાનો જથ્થો ભરી વાંસદા તરફ જઈ રહેલો ટ્રક નં. MH-12-TV-8917 નો ચાલક માલેગામ ટોલ બુથ નજીકથી પસાર થતી વખતે ગામમાંથી માટી ભરી જઈ રહેલા ટ્રેક્ટર નં. GJ-30-A-5452 ને અડફેટમાં લીધો હતો.અહી  ટ્રકની જોરદાર ટક્કરથી ટ્રેક્ટર સહીત ટ્રોલીનો ખુરદો બોલી ગયો હતો.અને ટ્રેકટરથી ટ્રોલી છૂટી પડી માર્ગની સાઈડમાં પડી હતી.આ બાદ ટ્રક બેકાબૂ બની સામે તરફથી આવી રહેલી સુરત જિલ્લાનાં ઓલપાડના પ્રવાસીઓ સવાર કાર નં. GJ-16-FB-0478 સાથે અથડાયો હતો. ટ્રકે કારને ટક્કર મારી દૂર સુધી ઘસડી જતા ઘટના સ્થળે ચકચાર મચી ગઈ હતી.અહી ટ્રકે કારને દૂર સુધી ઘસડી જતા કારમાં સવાર એક જ પરિવારનાં સભ્યોનો જીવ અધ્ધર થઈ ગયો હતો.અને બૂમાબૂમ કરી મૂકી હતી.આ અકસ્માત દરમિયાન ટ્રકે ટોલ પ્લાઝા પાસેના ડિવાઈડર અને પથ્થરોને પણ નુકસાન પહોંચાડ્યુ હતુ.આ બનાવમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે કારમાં સવાર 6 પ્રવાસીઓને સામાન્ય ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉપરાંત ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.બાદમાં તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સીએચસી ખાતે સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.આ અકસ્માતના કારણે કાર અને ટ્રેક્ટરને ભારે નુકસાન થયું હતું,જ્યારે ટ્રક તથા તેમાં ભરેલા સિમેન્ટના પતરા તૂટી જતા લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે.આ બનાવના પગલે માલેગામ ટોલ પબૂથ નજીક થોડાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.આ ઘટનાની જાણ થતા સાપુતારા પોલીસ મથકના પી.આઈ. કે.બી. શાંખલા તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.હાલમાં સાપુતારા પોલીસની ટીમે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!