દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “વિશ્વ હાયપરટેન્શન જાગૃતિ સપ્તાહ”ની ઉજવણી કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તા.૨૬ મે ૨૦૨૬ સુધી “વિશ્વ હાયપરટેન્શન જાગૃતિ સપ્તાહ”ની ઉજવણી ચાલી રહી છે. આ ખાસ અભિયાનનો મુખ્ય હેતુ કોમ્યુનિટી લેવલે હાઈ બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્તચાપ) ના ગંભીર જોખમો સામે લોકોમાં જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.
જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા નાગરિકોને સ્વસ્થ જીવન જીવવા, નિયમિત કસરત કરવા, ખોરાકમાં મીઠા તેમજ તેલનો ઓછો ઉપયોગ કરવા, જંકફૂડથી દૂર રહેવા અને દૈનિક જીવનમાં નિયમિત યોગા કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો વિશે સઘન માર્ગદર્શન અને સમજણ પૂરી પાડવામાં આવી રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે કે, ૩૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતી દરેક વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછું બે વખત પોતાનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ અચૂક તપાસવું જોઈએ. નિયમિત તપાસ કરાવવાથી હાયપરટેન્શન અને ડાયાબિટીસના કારણે થતા અન્ય જટિલ રોગો જેવા કે હૃદયરોગ , પેરાલીસીસ (લકવો), બ્રેઈન સ્ટ્રોક, આંખનો મોતિયો તેમજ કિડનીને લગતા રોગોથી બચી શકાય છે
આ ઉપરાંત, જે દર્દીઓની હાયપરટેન્શનની સારવાર હાલ ચાલુ છે અને નિયમિત દવા લે છે, તેમણે દર મહિને ઓછામાં ઓછી એકવાર બ્લડ પ્રેશરની તપાસ અવશ્ય કરાવવી જોઈએ અને ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત દવાઓ લેવી જોઈએ. આવા દર્દીઓએ ખોરાકમાં કાચા મીઠાનો ત્યાગ કરવો, તેલવાળો અને ચરબીયુક્ત ખોરાક ઓછો ખાવો અને જો વજન વધારે હોય તો તેને નિયંત્રિત રાખવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં “મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વધુ વજન ધરાવતી વ્યક્તિઓએ પોતાનું વજન ઘટાડવા માટે જંક ફૂડ, વધુ તેલવાળી વસ્તુઓ, મીઠાઈઓ અને ઠંડા પીણાંનો ઉપયોગ સદંતર ટાળવો જોઈએ. વજન નિયંત્રણમાં રાખવા માટે દૈનિક ધોરણે કસરત કરવી, ચાલવું અને યોગા કરવા જેવી પ્રવૃત્તિઓ વધારવી જોઈએ, તેમજ સમયાંતરે પોતાના બોડી માસ ઇન્ડેક્ષ (BMI)ની તપાસ કરાવવી હિતાવહ છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના વિસ્તારની નજીકમાં આવેલ સરકારી દવાખાના અથવા આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ નિયમિત રીતે પોતાના બ્લડ પ્રેશરની મફત તપાસ કરાવી પોતાના સ્વાસ્થ્યને સુરક્ષિત બનાવે.







