વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ‘એસ્ટોલ પાણી પુરવઠા યોજના’ફેલ?174 ગામોમાં પાણીની સમસ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના આદિવાસી તથા ડુંગરાળ વિસ્તારો માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022માં શરૂ કરાયેલી મહત્ત્વાકાંક્ષી ‘એસ્ટોલ વોટર સપ્લાય પ્રોજેક્ટ’ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પ્રોજેક્ટ કાગળ પર પૂર્ણ જાહેર કરાયો હોવા છતાં અનેક ગામોમાં આજે પણ લોકોને પૂરતું પીવાનું પાણી મળતું નથી.
સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રી કાર્યાલય સહિત રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને વિગતવાર રજૂઆત કરી યોજનાની તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે.
રજુઆત મુજબ, મધુબન ડેમમાંથી પાણી પંપ કરીને ધરમપુરના 50 અને કપરાડાના 124 સહિત કુલ 174 ગામોમાં શુદ્ધ પાણી પહોંચાડવાનું આયોજન હતું, પરંતુ વાસ્તવમાં છેવાડાના ગામો હજુ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. રજૂઆતમાં કરાયેલા મુખ્ય આક્ષેપો:
• GWSSB અને ખાનગી એજન્સીઓની બેદરકારીને કારણે યોજના યોગ્ય રીતે કાર્યરત થઈ નથી.
• માઈલ્ડ સ્ટીલ પાઈપોના બદલે હલકી ગુણવત્તાની પાઈપો વપરાતા વારંવાર લીકેજ સર્જાય છે.
• પાણી સમિતિઓ દ્વારા વાલ્વ વ્યવસ્થાનું યોગ્ય સંચાલન થતું નથી.
• અપૂરતા વીજ પુરવઠાને કારણે પાણીનું પ્રેશર ઘટે છે અને છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી.
• GEB, GWSSB, WASMO અને અન્ય વિભાગો વચ્ચે સંકલનના અભાવથી સમસ્યાઓનું નિરાકરણ અટવાઈ રહ્યું છે. મુખ્ય માંગણીઓ:
ડૉ. નિરવ પટેલે IIT અથવા અન્ય પ્રતિષ્ઠિત સરકારી એન્જિનિયરિંગ સંસ્થા દ્વારા થર્ડ પાર્ટી ઓડિટ કરાવવા માંગ કરી છે. સાથે જ જો હલકી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હોવાની પુષ્ટિ થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં પાણી જેવી જીવનજરૂરી સુવિધા હજુ અધૂરી રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે રાજ્ય સરકાર આ મુદ્દે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.




