KUTCHMUNDRA

શિક્ષણ વ્યાપાર નહીં, સંસ્કાર અને સેવાનું માધ્યમ બને: ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ વચ્ચે કચ્છનું તંત્રને ધારદાર સૂચન

કાગળ પર નહીં, ડિજિટલ માધ્યમો દ્વારા સમગ્ર ઝુંબેશનું સચોટ મોનિટરિંગ કરવા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

શિક્ષણ વ્યાપાર નહીં, સંસ્કાર અને સેવાનું માધ્યમ બને: ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ વચ્ચે કચ્છનું તંત્રને ધારદાર સૂચન

 

૦૦૦

વેકેશન માત્ર વિદ્યાર્થીઓના હિત અને આરોગ્ય માટે જ લંબાવો, શિક્ષકો મૂળ તારીખે હાજર થઈ ‘ગૃહ મુલાકાત’ કરે તેવી માંગ

 ૦૦૦

માત્ર નફો કમાતી નોન-ગ્રાન્ટેડ શાળાઓ આંખ ખોલે: ગરીબ અને છેવાડાના બાળકોને મફત પુસ્તકો, યુનિફોર્મ અને વાહનની સુવિધા આપવા કરાઈ અપીલ

૦૦૦

કાગળ પર નહીં, ડિજિટલ માધ્યમો દ્વારા સમગ્ર ઝુંબેશનું સચોટ મોનિટરિંગ કરવા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત

 

મુંદરા, તા. 27:

હાલમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા વર્તમાન અસહ્ય ગરમી (૪૦ થી ૪૪ ડિગ્રી) અને વાહન વ્યવહારની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન આગામી ૧૮-૦૬-૨૦૨૬ સુધી લંબાવવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે પત્ર લખવામાં આવ્યો છે તેને શિક્ષણપ્રેમી નાગરિકો દ્વારા આવકારવામાં આવ્યો છે. પરંતુ આ માંગણી માત્ર રજાઓ ભોગવવા માટે નહીં પણ સાચા અર્થમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને આરોગ્યના હિતમાં મંજૂર થવી જોઈએ તેવું એક બહુમૂલ્ય સૂચન તંત્ર સમક્ષ મૂકવામાં આવ્યું છે.

શિક્ષણ પ્રેમીઓએ જણાવ્યું છે કે અસહ્ય તાપથી બાળકોને બચાવવા વેકેશન લંબાવવાની માંગ બિલકુલ વ્યાજબી છે પરંતુ આ સમયગાળા દરમિયાન શિક્ષકો વેકેશન ખુલવાની મૂળ તારીખે (૮ જૂન) જ શાળાઓમાં હાજર થાય તે જરૂરી છે. શિક્ષકો આ ૧૦ દિવસ દરમિયાન ગામડાંઓ, વાડી વિસ્તારો અને છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં રૂબરૂ જઈને જમીની હકીકત સમજે. જે ગરીબ કે પછાત વર્ગના બાળકો શાળાએ નથી આવી શકતા તેમના વાલીઓ સાથે સવાર-સાંજ મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણીને “શૂન્ય ડ્રોપ-આઉટ” નો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા ભગીરથ પ્રયાસો હાથ ધરે.

આ ઉપરાંત ખાસ કરીને માત્ર આર્થિક કમાણી કરવાના હેતુથી ચાલતી ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ (સેલ્ફ-ફાઇનાન્સ) શાળાઓના સંચાલકો સામે આક્રોશપૂર્વક ટકોર કરવામાં આવી છે કે શિક્ષણ એ વ્યાપાર નથી પરંતુ સેવા છે. સંચાલક મંડળ માત્ર વેકેશન લંબાવવાની માંગણીઓ ન કરે પરંતુ સાથે સાથે એવી પણ ખાતરી આપે કે તેમના સંકુલમાં ભણવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને:

 1. ઓછી ફી અથવા ફી માફીનો લાભ મળે.

 2. પુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ જેવી પ્રાથમિક જરૂરિયાતો તદ્દન વિનામૂલ્યે (મફત) પૂરી પાડવામાં આવે.

 3. ગ્રામ્ય કે વાડી વિસ્તારમાંથી આવતા બાળકો માટે વાહનની યોગ્ય અને મફત સગવડ કરવામાં આવે.

જ્યારે નોન-ગ્રાન્ટેડ શાળાઓ આવી સામાજિક જવાબદારી સ્વીકારશે ત્યારે જ સાચા અર્થમાં શિક્ષણનું કલ્યાણ થશે.

 

📱 તંત્ર દ્વારા ‘ડિજિટલ મોનિટરિંગ’ ની માંગ: 

 

આ સમગ્ર ઝુંબેશ માત્ર કાગળ પર ન રહી જાય તે માટે મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને ખાસ અપીલ કરવામાં આવી છે કે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ૧૦ દિવસ દરમિયાન શિક્ષકોની ક્ષેત્ર સ્તરની કામગીરી અને ગૃહ મુલાકાતોનું ડિજિટલ માધ્યમોના આધારે લાઈવ અને સચોટ મોનિટરિંગ કરવામાં આવે જેથી સિસ્ટમમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે.

કચ્છીઓ આશા વ્યક્ત કરે છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી આ બાબતે વહેલી તકે સંવેદનશીલ અને ક્રાંતિકારી નિર્ણય લઈને ગુજરાતના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્ય બંનેને સુરક્ષિત કરશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!