
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાતના એકમાત્ર લોકપ્રિય ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિકાસના મોટા દાવાઓ વચ્ચે બસ સ્ટેન્ડ પર મુસાફરોને પડી રહેલી હાલાકીએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતાં મુસાફરોને આજે પણ ચા-નાસ્તો, પીવાનું શુદ્ધ પાણી અને આરામ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
ખાસ કરીને લાંબા રૂટની એસ.ટી. બસોમાં મુસાફરી કરીને આવતા પ્રવાસીઓ, વડીલો અને મહિલાઓ માટે સ્થિતિ વધુ કપરિ બની છે. બસ સ્ટેન્ડ પરિસરમાં આવેલી કેન્ટીન લાંબા સમયથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. પરિણામે મુસાફરોને નાસ્તો કે પાણી માટે બસ સ્ટેન્ડની બહાર ભટકવાની ફરજ પડી રહી છે.
સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, એક તરફ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વિકાસના દાવા કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ મુસાફરોને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. બંધ કેન્ટીનને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ને આવકમાં નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ પ્રવાસીઓમાં અસંતોષ વધી રહ્યો છે.
પ્રવાસન ધામ તરીકે જાણીતા સાપુતારાની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી બસ સ્ટેન્ડ પર તાત્કાલિક ધોરણે કેન્ટીન ફરી શરૂ કરવામાં આવે, શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ મુસાફરોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ હવે ઉગ્ર બની રહી છે.
સ્થાનિકો અને પ્રવાસીઓનો સવાલ છે કે —
“કરોડોનાખર્ચબાદપણજોમુસાફરોનેચા–પાણીજેવીસામાન્યસુવિધાનમળે, તોઆવાવિકાસનોઅર્થશું?”




