GUJARATTHARADVAV-THARAD

ગાયત્રી ગૌસેવા ધામ ખાતે જપ, તપ અને યાત્રાનો દિવ્ય ત્રિવેણી સંગ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ તાલુકાના લુણાલ ગામે સ્થિત ગાયત્રી ગૌસેવા ધામ આજે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક આસ્થા, ભક્તિ અને સેવાભાવનું પવિત્ર કેન્દ્ર બની રહ્યું છે. અધિક માસના પાવન અવસરે પરમપૂજ્ય રઘુનાથજી શાસ્ત્રીની દિવ્ય પરંપરા અને સંસ્કાર વારસાને જીવંત રાખતા તેમના સુપુત્ર બાલકૃષ્ણ શાસ્ત્રી તેમજ રાજુભાઈ શાસ્ત્રી દ્વારા ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે ધાર્મિક ક્ષેત્રે એક અનોખું પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.

અધિક માસને હિન્દુ ધર્મમાં વિશેષ પૂણ્યપ્રદ અને ભક્તિ માટેનો મહિમાવંત સમય માનવામાં આવે છે. ત્યારે ગાયત્રી ગૌસેવા ધામ ખાતે ભક્તિ, તપસ્યા, સેવા અને સંસ્કારનો અદભુત સમન્વય જોવા મળી રહ્યો છે. અહીં દૂર દૂરથી આવતા તપસ્વીઓ માટે રહેવાની, ફલ્હાર જમવાની તેમજ તમામ સુવિધાઓની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર વાતાવરણમાં ભક્તિની ગંગા વહેતી હોય તેવો દિવ્ય અનુભવ થાય છે.

આ પવિત્ર આયોજન દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ, શ્રી રામકથા અને શિવકથાનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. ભજન, ભોજન અને ભક્તિ સાથે જપ અને તપની સાધનામાં લીન બનેલા તપસ્વીઓ માટે આ ધામ એક આધ્યાત્મિક યાત્રાધામ સમાન બની ગયું છે. ગાયત્રી મંત્રના જાપ સાથે ભક્તો પોતાના જીવનને પવિત્ર બનાવી રહ્યા છે અને સમગ્ર વાતાવરણમાં ધર્મ અને સંસ્કારની સુગંધ પ્રસરી રહી છે.

માત્ર કથા કે પૂજાપાઠ પૂરતું નહીં, પરંતુ ગૌસેવા, માનવસેવા અને સંતસેવાના ઉત્તમ કાર્ય દ્વારા પણ ગાયત્રી ગૌસેવા ધામ અનોખી ઓળખ ઉભી કરી રહ્યું છે. ગૌમાતાની સેવા સાથે સાધુ-સંતો અને તપસ્વીઓનેઓની ભાવપૂર્વક સેવા કરવામાં આવી રહી છે. “સેવા એ જ સચ્ચી સાધના” ના સૂત્રને આ પરિવાર વર્ષોથી જીવનમાં ઉતારી રહ્યો છે.

આ આયોજનની વિશેષતા એ પણ છે કે તમામ તપસ્વીઓને ધાર્મિક યાત્રાનો લાભ પણ અપાઈ રહ્યો છે. યાત્રા દરમિયાન સીલુ ગામ, લુણાલ નકલંક મંદિર, જમડા ખાતે નિબ્જ માતાજીના દર્શન, નડાબેટ નડેશ્વરી માતાજીના દર્શન, સુઈગામ ખાતે રાજેશ્વર મહાદેવના દર્શન, પાડણ મૂળેશ્વર મહાદેવ, કપલેસ્વર મહાદેવ, ધરણીધરજી ભગવાન તથા આરાસુરી અંબાજી માતાજીના દર્શન કરાવવામાં આવી રહ્યા છે. આ યાત્રા ભક્તોના જીવનમાં નવી આધ્યાત્મિક ઊર્જા અને શ્રદ્ધાનો સંચાર કરી રહી છે.

સુઈગામ ખાતે રાજેશ્વર મહાદેવના દર્શન દરમિયાન સુઈગામના વતની અને બ્રહ્મ સમાજના આગેવાન બીપીનભાઈ ત્રિવેદી દ્વારા તમામ યાત્રાળુઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ તપસ્વીઓને લચ્છીનો પ્રસાદ અપાઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેવાભાવ અને આત્મીયતા સમગ્ર યાત્રામાં ચાર ચાંદ લગાવી ગયા હતા.

આ સમગ્ર ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે કુંદ્રપદવે તેમજ રામ-શ્યામ અને ગાયત્રી પંચાંગ પરિવારના તમામ સભ્યો દિવસ-રાત તપસ્વીઓની સેવા કરી રહ્યા છે. ની સ્વાર્થા ભાવથી થતી આ સેવા દરેક માટે પ્રેરણારૂપ બની છે. આજના સમયમાં જ્યાં સ્વાર્થ અને વ્યસ્તતા વધી રહી છે ત્યાં આવી નિસ્વાર્થસેવા અને ધાર્મિક કાર્ય વિરલા પુરુષો જ કરી શકે.

ગાયત્રી પંચાંગ પરિવાર વર્ષોથી સમાજસેવાના અનેક કાર્યોમાં અગ્રેસર રહ્યો છે. સમૂહલગ્ન, સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર, બ્રહ્મ સમાજના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો હોય કે માનવસેવાના કાર્યો – દરેક ક્ષેત્રે આ પરિવાર હંમેશા મોખરે રહ્યો છે. પરમપૂજ્ય રઘુનાથજી શાસ્ત્રીના સંસ્કારોને તેમના પરિવારજનોએ જીવંત રાખીને સમાજમાં એક અનોખું સ્થાન મેળવ્યું છે.

ધર્મ, ભક્તિ, સેવા અને સંસ્કારના આવા દિવ્ય કાર્ય માટે ગાયત્રી ગૌસેવા ધામ તથા સમગ્ર ગાયત્રી પંચાંગ પરિવાર ખરેખર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. આવા પવિત્ર આયોજનો સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ લાવી નવી પેઢીને સંસ્કાર અને સેવા તરફ પ્રેરણા આપે છે. ગાયત્રી ગૌસેવા ધામ આવનારા સમયમાં પણ ધર્મ અને સેવાભાવનું આ પવિત્ર કાર્ય સતત આગળ વધારતું રહે તેવી સૌ ભક્તજનો પ્રાર્થના કરી રહ્યા છે.

 

Back to top button
error: Content is protected !!