AHAVADANG

ગિરિમથક સાપુતારામાં સરકારી મિલકતોની ફાળવણીમાં મોટાપાયે ગેરરીતિઓની ગંધ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારા ખાતે જાહેર હરાજી વિના સ્ટોલ અને વેપારી એકમોની ફાળવણીથી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન,જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠી..

ગુજરાતનાં એકમાત્ર પ્રખ્યાત હવાખાવાના સ્થળ સાપુતારામાં સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને સરકારી મિલકતો તેમજ વેપારી એકમોની ફાળવણીમાં ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.સ્થાનિક આદિવાસી પરિવારોના રોજગાર અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલા રેંકડી બજાર અને ટેબલ પોઇન્ટ ખાતેના સ્ટોલની ફાળવણીમાં પારદર્શિતાના ધજાગરા ઉડાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.સ્થાનિક સ્તરેથી મળતી માહિતી મુજબ, સાપુતારામાં કોઈપણ સરકારી પ્લોટ, દુકાન કે ધંધાકીય એકમની ફાળવણી માટે જાહેર હરાજી અને સ્પર્ધાત્મક પ્રક્રિયા અપનાવવી કાયદાકીય રીતે ફરજિયાત ગણાય છે.તેમ છતાં, તત્કાલીન વહીવટી તંત્ર દ્વારા આવી કોઈ જાહેર હરાજી કર્યા વિના તથા યોગ્ય નિયમોની સરેઆમ અવગણના કરીને, સ્થાનિક આદિવાસી લાભાર્થીઓને બદલે એક પરપ્રાંતિય ઈસમને પાંચ વર્ષ માટે આખો ઈજારો સોંપવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.સૌથી ગંભીર બાબત એ છે કે જે દુકાનો અને સ્ટોલ સ્થાનિક આદિવાસી યુવાનોને આજીવિકા મળી રહે તેવા ઉમદા હેતુથી ઉભા કરવામાં આવ્યા હતા, તે હવે ખાનગી વ્યક્તિઓ માટે કમાણીનું મોટું સાધન બની ગયા છે.જે નાણાકીય લાભ સરકારી આવક તરીકે તિજોરીમાં જમા થવો જોઈતો હતો, તે હવે ખાનગી ખિસ્સામાં જતો હોવાના આક્ષેપોને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે.આ સમગ્ર પ્રકરણને પગલે અનેક સવાલો ઉભા થયા છે કે, કરોડો રૂપિયાના જાહેર નાણાથી ઉભી કરાયેલી મિલકતોને જાહેર હરાજી વિના અને નિયમોની અવગણના કરીને ખાનગી હાથોમાં કેવી રીતે સોંપી દેવાઈ? શું આ શંકાસ્પદ પ્રક્રિયામાં નોટિફાઈડ કચેરી અને જમીન વહીવટ તંત્રના જવાબદાર ઉચ્ચ અધિકારીઓની કોઈ મિલિભગત કે ભૂમિકા રહી છે? સ્થાનિકોનું સ્પષ્ટપણે માનવું છે કે, જો સમગ્ર પ્રકરણની કોઈ ઉચ્ચ સ્તરીય, તલસ્પર્શી અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો મોટાપાયે આચરાયેલી વહીવટી ગેરરીતિ અને સરકારી તિજોરીને થયેલા આર્થિક નુકસાનનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.હાલમાં આ મામલે સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગે નવ નિયુક્ત જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર સમક્ષ મૌખિક રજૂઆત કરીને સમગ્ર મામલાની તળિયાઝાટક તપાસ કરાવવાની ઉગ્ર માંગણી કરી છે.આ સાથે જ નિયમો વિરુદ્ધ અને ગેરકાયદેસર રીતે ફાળવવામાં આવેલા સ્ટોલ, દુકાનો અને રેંકડી બજારને તાત્કાલિક અસરથી સીલ કરી,આ કૌભાંડમાં સામેલ તમામ જવાબદારો સામે કાયદેસરના કડક પગલા લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે એક તરફ પારદર્શિતા, જવાબદારી અને સુશાસનના દાવાઓ વચ્ચે સરકારી સંપત્તિના આ વિવાદાસ્પદ ફાળવણી પ્રકરણમાં વહીવટી તંત્ર સત્ય બહાર લાવવા કોઈ હિંમત દાખવે છે કે પછી હંમેશની જેમ આ સમગ્ર મામલો માત્ર કાગળો અને સરકારી ફાઈલોમાં જ દટાઈને રહી જાય છે.તે આવનાર સમય જ બતાવશે..

Back to top button
error: Content is protected !!