AHAVADANG

વિશ્વ દૂધ દિવસે વઘઈ ખાતે પશુપાલકોને સ્વચ્છ દૂધ ઉત્પાદન અને પશુ આરોગ્ય અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન અપાયું

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા “વિશ્વ દૂધ દિવસ” નિમિત્તે જૂન-2026 માસને “Mastitis Awareness Month” તરીકે ઉજવવાના આહ્વાન અંતર્ગત પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, વઘઈ દ્વારા પશુપાલકો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે માસ્ટાઇટિસ નિવારણ અને નિયંત્રણ” વિષય પર યોજાયેલી આ પશુપાલક ગોષ્ઠી અને ક્ષેત્ર મુલાકાતનો મુખ્ય હેતુ દૂધાળ પશુઓમાં થતા માસ્ટાઇટિસ (આંચળના સોજા) રોગ અંગે જાગૃતિ લાવવાનો તેમજ સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન માટે જરૂરી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન ડૉ. ઉત્સવભાઈ એસ. સુરતી (મદદનીશ પ્રાધ્યાપક) દ્વારા માસ્ટાઇટિસ રોગના કારણો, લક્ષણો, તેના કારણે થતું આર્થિક નુકસાન અને અસરકારક નિયંત્રણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે ડૉ. એસ. બી. કાપડી (પશુચિકિત્સા અધિકારી)એ દૂધાળ પશુઓના આંચળના આરોગ્યનું મહત્વ સમજાવી સમયસર નિદાન અને સારવાર અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

ક્ષેત્ર મુલાકાત દરમિયાન પશુપાલકોને “ટીટ ડીપ કપ (Teat Dip Cup)” ના ઉપયોગનું જીવંત નિદર્શન કરાયું હતું. નિષ્ણાતોએ દોહન બાદ ટીટ ડીપિંગ કરવાની પદ્ધતિ સમજાવી અને આ સરળ પરંતુ અસરકારક ઉપાય દ્વારા માસ્ટાઇટિસના સંક્રમણને નોંધપાત્ર રીતે ઘટાડીને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન કેવી રીતે શક્ય બને તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ પ્રશ્નો પૂછી પોતાની શંકાઓનું નિરાકરણ મેળવ્યું હતું.

કાર્યક્રમના અંતે પશુપાલકોને જાગૃતિ અને પ્રોત્સાહનના ભાગરૂપે પશુપાલન વિષયક માહિતીપ્રદ સાહિત્ય તેમજ મિનરલ મિક્સચરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ ડૉ. એમ. એમ. ઇસ્લામ (ઇન્ચાર્જ, પી.વી.કે.)ના નેતૃત્વમાં તથા ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) અને ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામક, કામધેનુ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર)ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા આયોજિત આવી જાગૃતિ પ્રવૃત્તિઓ વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિઓના પ્રસાર દ્વારા પશુ આરોગ્યમાં સુધારો, દૂધ ઉત્પાદનમાં વધારો અને પશુપાલકોની આવક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી હોવાનું જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!