આઈ.ટી.આઈ. કુબેરનગરમાં એડવાન્સ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ લેબનું લોકાર્પણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
રાજ્યમાં કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે સરકારી આઈ.ટી.આઈ. કુબેરનગર ખાતે અત્યાધુનિક એડવાન્સ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, તાલીમાર્થીઓ, શિક્ષકો અને વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી આઈ.ટી.આઈ. કુબેરનગર સાથે સંકળાયેલી 125 વર્ષ જૂની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત કંપની Carrier Airconditioning and Refrigeration Limited દ્વારા આ આધુનિક લેબ વિકસાવવામાં આવી છે. આ લેબના માધ્યમથી રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉદ્યોગોની વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ પ્રાયોગિક અને ટેક્નોલોજી આધારિત તાલીમ પ્રાપ્ત થશે. જેના પરિણામે વિદ્યાર્થીઓના કૌશલ્યમાં ગુણાત્મક વધારો થશે અને તેઓ રોજગાર બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકશે.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર યુવાનોને રોજગારક્ષમ બનાવવા માટે ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે મજબૂત સેતુ રચી રહી છે. ટેક્નિકલ શિક્ષણને ઉદ્યોગોની જરૂરિયાત સાથે જોડવાના આવા પ્રયાસોથી યુવાનોને નવી કારકિર્દી તકો મળશે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે.
આજના સમયમાં એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન ક્ષેત્રનો વ્યાપ સતત વધી રહ્યો છે. ઘરગથ્થુ ઉપયોગથી લઈને વ્યાપારી સંસ્થાઓ, હોસ્પિટલો, ડેટા સેન્ટર્સ, કોલ્ડ સ્ટોરેજ અને ઔદ્યોગિક એકમોમાં આ ક્ષેત્રની માંગ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં આ લેબ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તેમને નવીન ટેક્નોલોજી, સાધનો અને ઉદ્યોગ ધોરણો અંગે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થશે.
Carrier કંપની સાથે સંકળાયેલા ડીલરો અને ઉદ્યોગકારો દ્વારા તાલીમ પૂર્ણ કરનારા ફ્રેશર ઉમેદવારોને રૂ. 17,000થી વધુના પ્રારંભિક માસિક વેતન સાથે રોજગાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, તાલીમાર્થીઓને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે પણ કંપનીએ ખાતરી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે વાયબ્રન્ટ ગુજરાત 2025 દરમિયાન સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાને Carrier કંપનીના નિષ્ણાત ટ્રેનરો દ્વારા સંસ્થામાં તાલીમ આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં રોજગારની તક પણ પ્રાપ્ત થશે.
આઈ.ટી.આઈ. કુબેરનગર અગાઉથી જ અનેક અગ્રણી ઉદ્યોગો સાથે સફળ ભાગીદારી ધરાવે છે. સોલાર ટેક્નિશિયન માટે Schneider, મોટર મિકેનિક અને મિકેનિક ડીઝલ માટે Eicher Motors Limited અને Toyota Motor Corporation, પ્લમ્બર અને વુડ વર્કિંગ ટેક્નોલોજી માટે Pidilite Industries, ઇલેક્ટ્રિક વાહન તાલીમ માટે SRF Foundation અને MG Motor India સહિત અનેક કંપનીઓ સાથે સંસ્થા કાર્યરત છે. ઉપરાંત, લિફ્ટ મિકેનિક ટ્રેડ માટે Omega અને Tri Elevator જેવી કંપનીઓ દ્વારા આધુનિક સુવિધાઓ સાથે તાલીમ આપવામાં આવે છે.
સંસ્થા ખાતે Tata Strive, UN Women, Nandi Foundation અને Adhyayan Foundation જેવી સંસ્થાઓના સહયોગથી વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), અંગ્રેજી સંવાદ કૌશલ્ય, ઇન્ટરવ્યુ તૈયારી, વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી માર્ગદર્શન જેવા વિષયો પર નિઃશુલ્ક તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે તાલીમાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે.
પ્લેસમેન્ટના ક્ષેત્રમાં પણ આઈ.ટી.આઈ. કુબેરનગરે નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ 2023-24 દરમિયાન 572 તાલીમાર્થીઓને રૂ. 10,300થી વધુના સરેરાશ માસિક વેતન સાથે રોજગાર મળ્યો હતો. વર્ષ 2024-25 દરમિયાન આ આંકડો વધીને 1,109 તાલીમાર્થીઓ સુધી પહોંચ્યો હતો, જેમને સરેરાશ રૂ. 12,300થી વધુના વેતન સાથે રોજગાર પ્રાપ્ત થયો હતો. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે Micron કંપની દ્વારા કેટલાક તાલીમાર્થીઓને રૂ. 32,000 સુધીનું માસિક વેતન ઓફર કરવામાં આવ્યું હતું.
વર્ષ 2025-26 દરમિયાન કુલ 1,205 તાલીમાર્થીઓને સરેરાશ રૂ. 13,500થી વધુના માસિક વેતન સાથે રોજગાર મળ્યો છે. ઉપરાંત 14 તાલીમાર્થીઓ Micron કંપનીમાં પસંદગી પામ્યા છે, જેમને એપ્રેન્ટિસશિપ પૂર્ણ થયા બાદ અંદાજે રૂ. 32,000 સુધીનું માસિક વેતન પ્રાપ્ત થવાની સંભાવના છે.
હાલમાં સંસ્થામાં 42 જેટલા વિવિધ વ્યવસાયલક્ષી ટ્રેડ કાર્યરત છે. તાજેતરમાં યોજાયેલી West Zone Skill India Competition 2026માં સંસ્થાના તાલીમાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઓટોમોબાઈલ રિપેર ટ્રેડના રવીકાન્ત કોરી અને સોફ્ટવેર એપ્લિકેશન ડેવલપમેન્ટ ટ્રેડના પ્રજાપતિ મયુરે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા, જ્યારે શ્રવણ પરમારને Medallion for Excellence એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
હાલમાં આઈ.ટી.આઈ. કુબેરનગરમાં 2,952 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે અમદાવાદની વિવિધ આઈ.ટી.આઈ. સંસ્થાઓમાં કુલ 11,227 બેઠકો માટે પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ધોરણ 8 પાસ અથવા તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો વિવિધ ટેક્નિકલ ટ્રેડમાં પ્રવેશ મેળવી પોતાના ભવિષ્યને નવી દિશા આપી શકે છે.
આધુનિક તાલીમ સુવિધાઓ, ઉદ્યોગો સાથેના મજબૂત જોડાણ અને ઉત્તમ પ્લેસમેન્ટ રેકોર્ડને કારણે આઈ.ટી.આઈ. કુબેરનગર રાજ્યમાં કૌશલ્ય વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. નવી એડવાન્સ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ લેબ યુવાનોને વૈશ્વિક ધોરણની તાલીમ આપીને તેમને રોજગારક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.




