મહિલાએ મૃતબાળકને જન્મ આપ્યો, દફનવિધિ માટે સોંપી દીધો:₹4 હજાર આપીને પ્રસુતા રવાના, સફાઈકર્મીએ પ્લાસ્ટિક થેલીમાં ભરી કચરામાં ફેંક્યો, મોઢામાં લઈ શ્વાન રખડતાં ઘટના સામે આવી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં શુક્રવારના રોજ માનવતાને શરમમાં મૂકી દે તેવી કરુણ અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. શહેરના રોટરી ક્લબ પાછળ આવેલા મારવાડી ટેકરા ચોક વિસ્તારમાં એક તાજું જન્મેલા નવજાત બાળકનો ત્યજી દેવાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસ માતા સહિત ત્રણ મહિલાઓ સુધી પહોંચી હતી. જેઓની તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ધોળીકુઈ બજાર રાવળીયાવાડ ટેકરા વિસ્તારમાં રહેતા એક વેપારીએ મારવાડી ટેકરા ચોક નજીક એક શ્વાનને તેના મોઢામાં કોઈ વસ્તુ લઈને જતા જોયો હતો. શંકા જતાં તેણે શ્વાનને ભગાડ્યો હતો. જોકે, નજીક જઈ જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે શ્વાનના મોઢામાં તાજું જન્મેલું નવજાત બાળક હતું. આ દૃશ્ય જોઈ આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને નવજાત બાળકના મૃતદેહનો કબજો મેળવી એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. સમગ્ર ઘટનાએ પોલીસ માટે પડકારજનક સ્વરૂપ ધારણ કર્યું હતું, કારણ કે મૃત બાળકની ઓળખ અને તેની પાછળની હકીકત સુધી પહોંચવું સહેલું ન હતું.
એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર. એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટેશન ચોકીના પીએસઆઈ એન.વી. પાટીલ તથા હેડ કોન્સ્ટેબલ કાના, પોલીસ કોન્સ્ટેબલ રામ અને વિશાલ સહિતની ટીમે સતત મહેનત અને સૂઝબૂઝ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તેમજ શહેરની વિવિધ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી હતી. જેમાં તે જ વિસ્તારની એક હોસ્પિટલમાં તાજેતરમાં થયેલી એક પ્રસુતિ અંગે માહિતી મળતા પોલીસે હોસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં હોસ્પિટલ સંચાલકો દ્વારા સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી, પરંતુ પોલીસની કડક પૂછપરછ બાદ ખુલાસો થયો હતો કે, વાગરા તાલુકાના દહેજ વિસ્તારની રહેવાસી મહિલાની ત્યાં પ્રસુતિ થઈ હતી.
જેથી પોલીસે મહિલાને શોધી કાઢી પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે, મૃત બાળક તેનું જ હતું. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, પરિવારજન અથવા અન્ય કોઈ વ્યક્તિ અંતિમ વિધિ માટે ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલમાં ફરજ બજાવતી સફાઈ કર્મચારી મીનાબેન સોલંકી અને ગંગાબેન સોલંકીને બાળકની દફનવિધિ માટે રૂ. 4,000 રોકડા તથા રૂ. 200 રિક્ષા ભાડા પેટે આપ્યા હતા અને ત્યારબાદ તે પોતાના ઘરે જતી રહી હતી.
પોલીસે બંને સફાઈ કર્મચારીઓની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. બાળકની દફનવિધિ કરવાના બદલે એક મહિલાએ મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના સ્થળે ફેંકી દીધો હતો. ત્યારબાદ તે થેલી એક શ્વાન પોતાના મોઢામાં લઈને ફરતો જોવા મળતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
હાલમાં એ-ડિવિઝન પોલીસે માતા અને બંને સફાઈ કર્મચારીઓને નોટિસ પાઠવી છે. ઉપરાંત બાળક અને માતાના ડીએનએ નમૂનાઓ લઈ વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.



