ડભાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માસિક સ્વચ્છતા દિવસ અને વિશ્વ તમાકુ નિયંત્રણ દિવસની ઉજવણી સાથે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૦૨.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Bariya:ડભાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માસિક સ્વચ્છતા દિવસ અને વિશ્વ તમાકુ નિયંત્રણ દિવસની ઉજવણી સાથે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડભવા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કલ્પેશ બારીયાના માર્ગદર્શન હેઠળ કિશોરી મીટિંગ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૮ મે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ અને ૩૧ મે ‘વિશ્વ તમાકુ નિયંત્રણ દિવસ’ની સંયુક્ત ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ડૉ. રાહુલ રાઠવાએ કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન રાખવાની ખાસ સાવચેતી, વ્યક્તિગત સ્વચ્છતા તેમજ તમાકુ અને અન્ય વ્યસનોથી શરીર પર થતી ગંભીર અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ડૉ. પ્રભાત ભાટુએ કિશોરાવસ્થામાં આવતા શારીરિક-માનસિક બદલાવો, સિકલ સેલ એનિમિયાના લક્ષણો અને તેના બચાવ માટે આયર્ન ફોલિક એસિડ (IFA) ની ગોળીઓના મહત્વ વિશે સમજણ આપી હતી. આ ઉપરાંત, સંસ્થાના એડોલેસન્ટ હેલ્થ કાઉન્સિલર દ્વારા હોસ્પિટલ ખાતે કાર્યરત ‘એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિક’ (AFHC) માં મળતી મફત કાઉન્સેલિંગ અને રેફરલ સેવાઓ વિશે કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી.વિશેષમાં, હાજર તમામ કિશોરીઓને હોસ્પિટલ પરિસરમાં જ કાર્યરત ચાઈલ્ડ મેલન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર (CMTC) ની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં કેન્દ્રના ઇન્ચાર્જ દ્વારા સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે સંતુલિત અને પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવી કુપોષણ મુક્ત બનવાની પ્રેરણા આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સ્થાનિક કિશોરીઓ અને આશા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.રાહુલ રાઠવા, ડૉ. કેતન રાઠવા અને ડૉ.વિધિ પંડ્યાના સંકલન હેઠળ યોજાયેલો આ કાર્યક્રમ કિશોરીઓમાં આરોગ્ય, પોષણ, સ્વચ્છતા અને વ્યસનમુક્તિ પ્રત્યે સભાનતા કેળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો હતો



