RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વ્હીલચેરની મર્યાદાઓને માત આપી પેરા ટેબલ ટેનિસમાં રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવનાર રાજકોટના મયુરીબેન

તા.૩/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – હેમાલી ભટ્ટ

પગમાં પોલિયો, હાથમાં રેકેટ, આંખોમાં સપના અને વ્હીલચેર પર વિજયયાત્રા: રાજકોટના પેરા ટેબલ ટેનિસ ખેલાડી મયુરીબેનની પ્રેરક કહાની

SAG ની અત્યાધુનિક સવલતો દિવ્યાંગ રમતવીરો માટે આશીર્વાદરૂપ, રાજકોટના ઘરઆંગણે ઘડાઈ રહ્યા છે નેશનલ ચેમ્પિયન્સ

ગુજરાત સરકારની વૈશ્વિક સ્તરની રમતગમત સુવિધાઓએ રાજકોટનાં દિવ્યાંગ ખેલાડી મયુરીબેનના સપનાઓને આપી નવી પાંખો

“જો હું વ્હીલચેર પર બેસીને આગળ વધી શકું , તો તમે કેમ નહીં?” મયુરીબેનનો યુવાનોને પ્રેરણાદાયી સંદેશ

“મંઝિલ ઉન્હીં કો મિલતી હૈ જિનકે સપનોં મેં જાન હોતી હૈ, પંખોં સે કુછ નહીં હોતા હોસલોં સે ઉડાન હોતી હૈ.”

Rajkot: આ પંક્તિને રાજકોટના ૩૮ વર્ષીય દિવ્યાંગ મહિલા ખેલાડી મયુરીબેન દવેએ અક્ષરશઃ ચરિતાર્થ કરી બતાવી છે. માત્ર ૨ વર્ષની ઉંમરે પોલિયોનો ભોગ બનેલા મયુરીબેને ૩૫ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું અને ૩ વર્ષની સફરમાં તેમણે રાષ્ટ્રીય સ્તરે ૩ બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.

બાળપણમાં જ્યારે મયુરીબેન અન્ય સામાન્ય બાળકોને દોડતા-રમતા જોતા, ત્યારે તેમના મનમાં એક સવાલ વારંવાર સતાવતો: “હું કેમ આ લોકોની જેમ ચાલી નથી શકતી?” પરંતુ મયુરીબેનના પિતા હંમેશા તેમનું પીઠબળ બન્યા.

વ્હીલચેરની મર્યાદાઓને માત આપીને મયુરીબેને વિજયયાત્રાનું પ્રથમ સોપાન ગત વર્ષે વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી ‘પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫’માં સર કર્યું, જ્યાં તેમણે હિંમત દાખવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.૨૭ માર્ચ ૨૦૨૫ના રોજ દેશના પાટનગર દિલ્હી ખાતે આયોજિત ‘ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ૨૦૨૫’માં પણ તેમણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત અભય પ્રશાલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી ‘UTT પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬’માં તેમણે વધુ એક બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

વર્તમાન સમયમાં લોકો નાની નાની નિષ્ફળતાઓથી નિરાશ થઈ જાય છે ત્યારે તેમને મયુરીબેને સંદેશ આપ્યો હતો કે, “જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં. બસ, પ્રયત્નો કરતા રહો. મુશ્કેલીઓ તો આવશે, પણ જો વ્હીલચેર પર બેસીને, પોલિયો સામે લડીને પણ હું આ મુકામ સુધી પહોંચી શકતી હોઉં, તો ઈશ્વરે તમને બધું જ આપ્યું છે, તમે તો ઈચ્છાશક્તિ અને અનુશાસનથી ધારો તે લક્ષ્યાંક પ્રાપ્ત કરી જ શકો છો.”

સફળ ખેલાડીની પાછળ માર્ગદર્શક અને યોગ્ય સુવિધાઓનો મોટો હાથ હોય છે. મયુરીબેનની પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય દિશા આપવાનું કામ કર્યું છે રાજકોટના ટેબલ ટેનિસ કોચ આકાશ મૂલચંદાનીએ. છેલ્લા બે વર્ષથી એસ.એ.જી. (Sports Authority of Gujarat) મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ ખાતે ફરજ બજાવતા કોચ આકાશભાઈના માર્ગદર્શન હેઠળ મયુરીબેન અહીં તાલીમ લઈ રહ્યા છે.

આકાશભાઈએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ખુલ્લા મુકવામાં આવેલા આ અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને ચેસ સહિતની અનેક રમતોની તાલીમ આપવામાં આવે છે. આ સેન્ટર દિવ્યાંગ ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે, અહીં મયુરીબેન સહિત અન્ય ૬ પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓ પણ રમત ગમતના ક્ષેત્રે દેશનું નામ રોશન કરી રહ્યા છે. રાજકોટમાં ઘર આંગણે જ આવી વૈશ્વિક સ્તરની સ્પોર્ટ્સ એકેડમી ઉપલબ્ધ છે, ત્યારે સ્થાનિક રમતવીરોએ તેનો અવશ્ય લાભ લેવો જોઈએ.

રાષ્ટ્રીય ફલક પર ચમકનારા આ દિવ્યાંગ ખેલાડીએ સાબિત કરી બતાવ્યું છે કે મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, અવિરત પ્રયત્નો અને અતૂટ આત્મવિશ્વાસથી દરેક લક્ષ્ય સિદ્ધ કરી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા વૈશ્વિક સ્તરની રમતગમત સવલતો અને મયુરીબેન જેવા પ્રતિભાવાન ખેલાડીઓના સમન્વય થકી આજે રાજ્ય રમતજગત ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે.

Back to top button
error: Content is protected !!