
કેશોદના નહેરુનગર વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મંદિરનો ૨૭મો પાટોત્સવ મહોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવાયો હતો. મહોત્સવ નિમિત્તે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ મેળવ્યા હતા.મહોત્સવની શરૂઆત સવારે હવન વિધિથી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે બીડુ હોમવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું. સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. ટ્રસ્ટના હોદ્દેદારો અને સેવાભાવી કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળીયા, પ્રવીણભાઈ ભાલારા, સાગર બોરડ, ભરતભાઈ કોરિયા, ભારત વિકાસ પરિષદની ટીમ સહિતના આગેવાનો અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો અને તેમણે ટ્રસ્ટની ધાર્મિક તથા સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાનો, દાતાશ્રીઓ તેમજ સ્થાનિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાટોત્સવ મહોત્સવને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુચારુ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




