
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – પાણીબાર ગામે નવીન પુલના કામથી ખેડૂતો મુશ્કેલીમાં, ખેતરો સુધી પહોંચવાનો રસ્તો બંધ થઈ ગયા હોવાના આક્ષેપો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પાણીબાર ગામે નવીન પુલના નિર્માણ કાર્યને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુલના કામ દરમિયાન વર્ષોથી ઉપયોગમાં લેવાતો કાચો માર્ગ બંધ કરી દેવામાં આવતા 100થી વધુ ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપોઉઠ્યાછે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, આ કાચો રસ્તો લાંબા સમયથી ખેતરોમાં અવરજવર માટે ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હાલ પુલના નિર્માણ કાર્યને કારણે માર્ગ અવરોધિત થઈ જતાં ખેતીના કામકાજ, પાકની દેખરેખ તેમજ કૃષિ સાધનોની હેરફેરમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે.ખેડૂતોનું કહેવું છે કે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે રોજિંદા ખેતી કાર્ય પર સીધી અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે ખેતરો સુધી પહોંચવા માટે વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે.ગ્રામજનો અને ખેડૂતોની માંગ છે કે પુલનું કામ ચાલુ રાખવાની સાથે ખેડૂતોને અવરજવર માટે સુરક્ષિત અને સુલભ માર્ગ ઉપલબ્ધ કરાવવામાં આવે. જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.



