MORBI:મોરબીના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન: ટેલિગ્રાફ એક્ટ હેઠળ યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો મેદાને







MORBI:મોરબીના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન: ટેલિગ્રાફ એક્ટ હેઠળ યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો મેદાને


મોરબી તાલુકાના જેતપર ગામના ખેડૂતો હાલમાં વીજ કંપની દ્વારા તેમના ખેતરોમાં કરવામાં આવી રહેલા કામગીરી સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ટેલિગ્રાફ એક્ટ ૧૮૮૫ની કલમ ૧૬(૧)ની જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો અને ત્યાં ઉભા કરાયેલા થાંભલાઓને કારણે જમીનની બજાર કિંમતમાં અધધ… ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. એક અંદાજ મુજબ, ૩૦ લાખની કિંમત ધરાવતી જમીન ઘટીને ૧૫ લાખની થઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ૫ વીઘા જમીન ધરાવતા ખેડૂતને ૭૫ લાખ અને ૫૦ વીઘા જમીન ધરાવતા ખેડૂતને ૭.૫ કરોડ રૂપિયા જેટલું તોતિંગ આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કંપનીએ ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે કામગીરી કરવી જોઈએ અને જે પણ નુકસાન થાય તેનું વધુમાં વધુ વળતર ચૂકવવું જોઈએ. ખેડૂતોનો દાવો છે કે હાલની કામગીરીમાં આ નિયમોનો સદંતર અભાવ છે.

જેતપરના ખેડૂતોએ આક્રમક વલણ અપનાવતા ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી કંપની દ્વારા ખેડૂતોને તેમના જમીનના નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે, ત્યાં સુધી ગામના કોઈ પણ ખેતરમાં કંપનીને કામગીરી કરવા દેવામાં આવશે નહીં.આ સમગ્ર મામલે તંત્ર અને કંપની દ્વારા શું પગલાં લેવામાં આવે છે, તે જોવું રહ્યું.



