NAVSARINAVSARI CITY / TALUKO

વિશ્વ પર્યાવરણ દિવસે પશુ વિજ્ઞાન કેન્દ્ર માંડવી દ્વારા ૪૧ પશુપાલકોને માહિતી ઉપયોગી કિટ અને મિનરલ મિક્ષ્ચરનું વિતરણ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પશુ વિજ્ઞાન કેન્દ્ર, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, માંડવી દ્વારા ” વિશ્વ પર્યાવરણ દિવસ” ના ભાગરૂપે વ્યારા ખાતે વૃક્ષારોપણ અને માંડવી તાલુકાના ગોદાવરી ગામે મસ્ટાઈટીસ જાગૃતિ અભિયાન માસ નિમિત્તે ટીટ ડીપ કપ નિદર્શન તથા આબોહવા પરિવર્તન અનુકૂળ પશુપાલન વિશે ગોષ્ટીનું આયોજન તારીખ ૫ જૂન, ૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં કુલ ૪૧ પશુપાલકોએ ભાગ લીધો અને પશુપાલન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી.

કાર્યક્રમની શરૂઆત ડો. એમ. પી. માઢવાતર દ્વારા પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદ્દેશો અને કામગીરીની વિગતવાર માહિતી તથા પશુઓમા થતા બાવલાના રોગો અટકાવવા માટેના ઉપાયો તથા ટીટ ડીપ કપ ના ઉપયોગ વિશે નિદર્શન કરવમાં આવેલ હતું. ડૉ. એસ. એમ. પ્રજાપતિ દ્વારા બદલાતા આબોહવાકીય વાતાવરણ સાથે પશુપાલનમાં રાખવાની તકેદારી તથા નફાકારક દૂધ ઉત્પાદન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અંતે, ડો. એમ. પી. માઢવાતર અને ડો. એસ. એમ. પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત પશુપાલકો પાસેથી પ્રશ્નો અને મૂંઝવણો સાંભળી તેઓના પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પશુપાલકોને પ્રોત્સાહનના ભાગરૂપે પશુપાલન વિષય આધારિત સાહિત્યની કિટ, ડિવોર્મિંગ, ટીટ ડીપ કપ સાથેના લેક્ટીફેન્સ સોલ્યૂશન તથા પશુના પોષણ માટે અતિ આવશ્યક મિનરલ મિક્ષ્ચરનું વિતરણ પણ કરવામાં આવ્યું, જે પશુપાલકો માટે ખુબજ લાભદાયી સાબિત થશે.

આ સમગ્ર કાર્યક્રમ ડૉ. એસ. એસ. પાટીલ (સંશોધન વૈજ્ઞાનિક અને વડા, પશુ સંશોધન કેન્દ્ર, નવસારી)ના નેતૃત્વમાં અને ડૉ. વી. એસ. ડબાસ  (આચાર્યશ્રી, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) તથા ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પશુ વિજ્ઞાન કેન્દ્ર, માંડવી દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા આપે છે.

Back to top button
error: Content is protected !!