બાયડ સાઠંબા તેમજ માલપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું

કિરીટ પટેલ બાયડ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત બાયડ, સાઠંબા અને માલપુર તાલુકામાં વૃક્ષારોપણ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત સરકારના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત બાયડ, સાઠંબા અને માલપુર તાલુકામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં બાયડ-માલપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ, સાઠંબા તાલુકા પંચાયતના પ્રમુખ, માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, ગામોના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ, મામલતદાર કચેરીના મામલતદારશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં પરંતુ આવનારી પેઢીઓને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સ્વસ્થ જીવન આપવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી સમાજના નિર્માણ માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો



