MORBI:કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”: મોરબી પોલીસની કડક ચેતવણીથી અસામાજિક તત્વોમાં ફફડાટ







MORBI:કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”: મોરબી પોલીસની કડક ચેતવણીથી અસામાજિક તત્વોમાં ફફડાટ


મોરબી: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સામાન્ય નાગરિકો નિર્ભય અને શાંતિપૂર્ણ જીવન જીવી શકે તે માટે અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે. એમ. આલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે એવા તત્વોને પોલીસ મથકે બોલાવ્યા હતા, જેઓ અગાઉ શરીર સંબંધિત ગુનાઓ, મિલકત સંબંધિત ગુનાઓ તેમજ દારૂબંધી ભંગ જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા છે. તેમના ગુનાહિત ઇતિહાસનો અભ્યાસ કરીને કાયદાકીય જવાબદારીઓ અંગે સમજ આપવામાં આવી હતી.
બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. સરવૈયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.” તેમણે અસામાજિક તત્વોને ગુનાખોરીનો માર્ગ છોડીને સમાજના જવાબદાર નાગરિક તરીકે જીવન જીવવા માટે પ્રેરિત કર્યા હતા.
પોલીસના આ પગલાને માત્ર ચેતવણી નહીં પરંતુ સુધારાત્મક પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. એક તરફ કાયદાનો કડક અમલ અને બીજી તરફ ગુનાખોરી છોડવા માટેની તક—આ બંને અભિગમ સાથે મોરબી પોલીસ ગુનાખોરી પર અંકુશ લાવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસની આ કાર્યવાહી બાદ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વોમાં ચિંતા અને ફફડાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.


