MORBI:મોરબીના જેતપર ગામે હાઈવોલ્ટેજ ડ્રામા: વીજ લાઈનના વિરોધમાં પોલીસ અને ખેડૂતો આમને-સામને, મહિલાઓ-વૃદ્ધોને ડીટેન કરાતા ભારે રોષ







MORBI:મોરબીના જેતપર ગામે હાઈવોલ્ટેજ ડ્રામા: વીજ લાઈનના વિરોધમાં પોલીસ અને ખેડૂતો આમને-સામને, મહિલાઓ-વૃદ્ધોને ડીટેન કરાતા ભારે રોષ



મોરબી-માળિયા મતવિસ્તારના જેતપર ગામના પાદરમાં ખાનગી કંપની દ્વારા વીજ પોલ (લાઈન) સ્થાપવાની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ હિંસક અને તંગદિલીભર્યો બન્યો છે. જમીન સંપાદન અને વીજ લાઈન નાખવાના મુદ્દે તંત્ર અને પોલીસ દ્વારા ખેડૂતો પર કથિત બળપ્રયોગ કરાતા મામલો ગરમાયો છે. બપોરના ધોમધખતા તાપમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધોને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક ડીટેન કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપર ગામના ખેડૂતો પોતાની કિંમતી જમીનમાં યોગ્ય પ્રક્રિયા કે સંમતિ વિના ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલા વીજ પોલનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન તંત્ર અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવાયો હતો. ખેડૂતોના આક્ષેપ મુજબ, પોલીસે ગ્રામજનોની રજૂઆત સાંભળવાને બદલે લાઠીચાર્જ અને બળપ્રયોગ કર્યો હતો, જેમાં કેટલાક ખેડૂતોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, આ બળપ્રયોગ અંગે તંત્ર કે પોલીસ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે પુષ્ટિ કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર સવાલોની ઝડી: “ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હક ગુમાવ્યો?”
આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે મોરબીના જનપ્રતિનિધિઓ સામે તીખા સવાલો ઉઠી રહ્યા છે. લોકો આક્રોશપૂર્વક પૂછી રહ્યા છે

“દાદો એ તો માત્ર હનુમાન દાદો” કહેવાનો અધિકાર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગુમાવી દીધો છે?
પોલીસને ગુનેગારો પકડવામાં રસ નથી, પણ પોતાના જ ખેતરનું રક્ષણ કરતા ખેડૂતોને પકડવામાં આટલો રસ કેમ?
શું હવે ખેડૂતોએ પોતાના જ ખેતરમાં જવા માટે ખાનગી વીજ કંપનીઓની મંજૂરી લેવી પડશે?
મોરબી જિલ્લાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો ખરેખર ખેડૂતના દીકરા હોય, તો ખેડૂતોની પડખે કેમ ઊભા નથી રહેતા? આવા નેતાઓ શું કામના?
ખેડૂતોનો પડકાર: વીજ કંપનીઓ પાસે જેટલી જમીન હોય તે જંત્રીના ભાવે ખરીદવા ખેડૂતો તૈયાર છે, શું વીજ કંપનીઓ આપશે?
પોલીસ કાર્યવાહીના વિરોધમાં ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. ગામના રસ્તાઓ પર ઉતરી આવીને લોકોએ ચક્કાજામ અને ‘રસ્તા રોકો’ જેવા ઉગ્ર કાર્યક્રમો આપ્યા હતા. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઇજાગ્રસ્ત ખેડૂતોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા. આગેવાનોએ ખેડૂતોની સ્થિતિ જાણી, સાંત્વના પાઠવી અને તેમની ન્યાયી માંગણીઓ સરકાર સુધી અસરકારક રીતે પહોંચાડવાની ખાતરી આપી છે.
આંદોલનકારી ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી. પરંતુ, વિકાસના નામે જમીન માલિકોની સંમતિ વિના, વળતર ચૂકવ્યા વગર દબાણપૂર્વક કામગીરી કરવી એ ખેડૂતોના અધિકારો પર તરાપ છે. તંત્ર દ્વારા સંવાદ સાધવાને બદલે લાઠીના જોરે અવાજ દબાવવાની નીતિ સામે ખેડૂતો આક્રમક મૂડમાં છે.
અવલોકન: ગુજરાત સરકાર એકતરફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપી બનાવવા માંગે છે, ત્યારે બીજી તરફ ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. જેતપરની આ ઘટના એ સાબિત કરે છે કે જો તંત્ર પારદર્શક તપાસ અને સંવાદનો માર્ગ નહીં અપનાવે, તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ વણસી શકે છે. હાલ સમગ્ર જેતપર અને મોરબી પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થિતિ ગંભીર બનેલી છે.


