
તા.૦૭.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ ખાતે વસંત મસાલા દ્વારા ખેડૂત સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો, હાઈડ્રોજેલ ટેકનોલોજી અંગે ખેડૂતોને અપાઈ માહિતી
દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે વસંત મસાલા દ્વારા ફાર્મ બ્રિજ ફાઉન્ડેશનના સહયોગ સાથે ખેડૂત સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે માહિતી મેળવી હતી.ઝાલોદના મુવાડા રામજી મંદિર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વસંત મસાલા અને ફાર્મ બ્રિજ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ખેડૂતોને હાઈડ્રોજેલ ટેક્નોલોજી, બાયો કલ્ચર ટેક્નોલોજી અને લો કોસ્ટ લેબર સેવિંગ ટેક્નોલોજીના ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ખેતરમાં જઈને પ્રેક્ટિકલ ડેમો યોજી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ સમજ આપવામાં આવી હતી.નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હાઈડ્રોજેલ ટેકનોલોજીના ઉપયોગથી જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે, જેના કારણે ઓછા પાણીમાં પણ પાકનું સારું ઉત્પાદન મેળવી શકાય છે. સાથે જ પાણીની બચત, જમીનની ઉર્વરતા જાળવવા અને પાકની ગુણવત્તામાં વધારો કરવા માટે પણ આ ટેકનોલોજી ઉપયોગી સાબિત થઈ શકે છે.કાર્યક્રમ દરમિયાન વિવિધ કૃષિ પદ્ધતિઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ખેડૂત સશક્તિકરણ કાર્યક્રમમાં આશરે 100 જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા અને આધુનિક કૃષિ ટેકનોલોજી પ્રત્યે રસ દર્શાવ્યો હતો.વિશેષ કરીને નાના અને સીમાત ખેડૂતો માટે આ ટેક્નોલોજી અને આધુનિક ખેતી પદ્ધતિઓ ખૂબ ઉપયોગી સાબિત થશે. યોગ્ય માર્ગદર્શન અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા ખેડૂતો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી વધુ આવક મેળવી શકે છે, જે તેમના જીવનમાં સફળતા અને સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.વાવણીનો સમય નજીક આવી રહ્યો હોવાથી ખેડૂતોને નવીન કૃષિ ટેક્નોલોજી અંગે માહિતગાર કરવા તેમજ યોજનાબદ્ધ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને આવનારી સીઝન માટે યોગ્ય આયોજન, પાણી વ્યવસ્થાપન અને પાક સંભાળ અંગે પણ ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા હતા.તદુપરાંત, ફાર્મ બ્રિજ ફાઉન્ડેશનની ટીમ દ્વારા તારીખ 6 જૂનના રોજ મુવાડા,મેલણીયા અને મુનખોસલા ગામોની મુલાકાત લઈ ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ દરમિયાન ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને તેમની સમસ્યાઓ, પાકની સ્થિતિ અને સ્થાનિક જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી તેમજ સ્થળ પર જ જરૂરી તકનીકી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ખેડૂતો સાથે સીધા સંવાદ દ્વારા આધુનિક કૃષિ પદ્ધતિઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.



