MORBI:મોરબીના જેતપર અને ચકમપર સીમમાં મહિલાઓ પર દુષ્કર્મ-લૂંટ આચરતી ગેંગના ૪ સાગરીતો ઝડપાયા







MORBI:મોરબીના જેતપર અને ચકમપર સીમમાં મહિલાઓ પર દુષ્કર્મ-લૂંટ આચરતી ગેંગના ૪ સાગરીતો ઝડપાયા


મોરબી તાલુકાના જેતપર અને ચકમપર ગામની સીમમાં ખેત મજૂરોને નિશાન બનાવી રાત્રિના સમયે આચરવામાં આવેલી બે ગંભીર દુષ્કર્મ અને લૂંટના પ્રયાસની ઘટનાઓનો મોરબી ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. હથિયારોના જોરે આતંક મચાવતી આ ગેંગના ત્રણ સાગરીતો અને એક સગીરને પોલીસે દરોડા દરમિયાન દબોચી લીધા છે.
પોલીસ યાદીમાં જણાવ્યા મુજબ, આ ગેંગની મોડસ ઓપરેન્ડી રાત્રિના સમયે એકાંત વિસ્તારમાં રહેતા અસહાય ખેત મજૂરોને નિશાન બનાવવાની હતી.પ્રથમ ઘટના (૪ જૂન 2026): જેતપર ગામની સીમમાં પાંચ શખ્સો લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા. ત્યાં કોઈ કિંમતી ચીજવસ્તુ ન મળતા મજૂર દંપતીને ધમકાવી, મહિલાને અલગ લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

બીજી ઘટના (૫ જૂન 2026ની મધરાત): ચકમપર ગામની સીમમાં આ જ ટોળકીએ હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પતિની હાજરીમાં જ મહિલા પર સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) ગુજાર્યો હતો.બંને વણશોધાયેલા ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી (LCB), પેરોલ-ફર્લો સ્ક્વોડ અને મોરબી તાલુકા પોલીસની અલગ-અલગ ટીમો મેદાને ઉતરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી કડીઓ મેળવતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ હળવદ તાલુકાના માથક અને કડીયાણા ગામ સાથે સંકળાયેલા છે.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દરોડા પાડી નીચે મુજબના આરોપીઓને ઝડપી લીધા છે:૧. નવઘણભાઇ કાળુભાઇ વાધેલા (ઉંમર વર્ષ ૨૧, રહે. કડીયાણા, તા. હળવદ) ૨. દિલીપ ઉર્ફે દિપો કેશાભાઇ વાજેલીયા (ઉંમર વર્ષ ૨૦, રહે. કડીયાણા, તા. હળવદ) ૩. મુન્નાભાઇ ગંગરામભાઇ વાજેલીયા (રેહ. કડીયાણા, તા. હળવદ) ૪. એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ઝડપાયેલા આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ દિનેશભાઇ મધુભાઇ જખાનીયા (રહે. માથક, તા. હળવદ)નું નામ સામે આવ્યું છે. આ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.પકડાયેલા આરોપીઓ પાસેથી ૪ મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત કુલ રૂ. ૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા કેટલાક આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.


