GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરમાં પાંચ દિવસીય ‘સાર્થક પ્રશિક્ષણ સપ્તાહ’ સંપન્ન: ૧૨૦ શિક્ષકોએ લીધી તાલીમ

 

MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરમાં પાંચ દિવસીય ‘સાર્થક પ્રશિક્ષણ સપ્તાહ’ સંપન્ન: ૧૨૦ શિક્ષકોએ લીધી તાલીમ

શિક્ષણમાં ગુણવત્તા અને શિક્ષકોની સજ્જતા વધારવાના ઉદ્દેશ્ય સાથે સ્થાનિક સાર્થક વિદ્યામંદિર ખાતે તારીખ ૦૨ જૂનથી ૦૬ જૂન દરમિયાન પાંચ દિવસીય ‘સાર્થક પ્રશિક્ષણ સપ્તાહ’ (શિક્ષક ટ્રેનિંગ) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ તાલીમ શિબિરમાં શાળાના ૧૨૦ જેટલા શિક્ષક-શિક્ષિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પાંચ દિવસ દરમિયાન વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

પ્રશિક્ષણના પ્રથમ દિવસે શાળાના સંચાલક શ્રી કિશોરભાઈ શુક્લ દ્વારા ‘વાત વ્યવસ્થાપન’ મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ મોતા સાહેબે ‘સંગઠનથી સફળતા’ અને ‘શિક્ષક એ શાળાનો અરીસો છે’ જેવા વિષયો પર પ્રેરણાદાયી માહિતી આપી શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો.

બીજા દિવસે ગુજરાતના સુપ્રસિદ્ધ વક્તા અને ભાષાના પ્રખંડ જ્ઞાની શ્રી રાજેશભાઈ ધામેલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ‘ભાષા સજ્જતા’ વિષય પર શિક્ષકોને તાલીમ આપી, વર્ગખંડમાં ભાષાના શુદ્ધ અને પ્રભાવશાળી ઉપયોગ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ત્રીજો દિવસ જ્ઞાન સાથે આનંદનો રહ્યો હતો. જાણીતા સાહિત્યકાર અને હાસ્ય કલાકાર શ્રી હકાભા ગઢવી તથા શ્રી પ્રકાશભાઈ જાદવે સાહિત્યની રસલાહણ પીરસીને શિક્ષકોને હાસ્યથી તરબોળ કર્યા હતા. આ જ દિવસે શાળાના મુખ્ય સંચાલક શ્રી કિશોરભાઈ શુક્લે ‘કો-એજ્યુકેશન અને સહજ શિસ્ત’ વિશે વિગતવાર સમજ આપી હતી. સાથે જ આધુનિક ટેકનોલોજીના ભાગરૂપે ‘સ્કુલ મેનેજમેન્ટ સિસ્ટમ (ERP)’ ની ટેકનિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

ચોથા દિવસે શાળાના પ્રિન્સિપાલ શ્રી ગણેશભાઈ કંઝારીયાએ શિક્ષકોને સમગ્ર વર્ષ દરમિયાન કરવાના થતા વાર્ષિક આયોજનની રૂપરેખા આપી હતી, તેમજ વહીવટી કાર્યોને સરળ અને સચોટ બનાવવા માટે ‘વહીવટી સજ્જતા’ અંગે વિસ્તૃત સમજૂતી આપી હતી.

પ્રશિક્ષણના અંતિમ અને પાંચમા દિવસે શાળામાં નવા જોડાયેલા શિક્ષકોનું કુમકુમ તિલક કરી, મોં મીઠા કરાવીને એપોઇન્ટમેન્ટ લેટર આપી ભવ્ય સ્વાગત કરાયું હતું, તેમજ જૂના અને નવા શિક્ષકોનો પરસ્પર પરિચય યોજાયો હતો. આ તકે ‘કાર્ય કટિબદ્ધતા (સાર્થક સંવિધાન)’ અંતર્ગત તમામ શિક્ષકોએ શાળા અને પોતાની ફરજ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લીધા હતા. અંતમાં ‘તન અને મનની દુરસ્તી’ જેવા વિષયો પર જ્ઞાન મેળવી શિક્ષકોએ અનેરો આનંદ અનુભવ્યો હતો.

સમગ્ર પ્રશિક્ષણ સપ્તાહને સફળ બનાવવા શાળાના સંચાલક મંડળ અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તાલીમથી શિક્ષકોમાં નવો ઊર્જા અને ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો, જે આગામી શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Back to top button
error: Content is protected !!