KUTCHMUNDRA

મુંદરા બેન્ક ઓફ બરોડાના ઈ-ગેલેરી રૂમમાં છેલ્લા બે માસથી બંને એસી બંધ: કાળઝાળ ગરમીમાં ગ્રાહકો પરસેવે રેબઝેબ, ડિજિટલ પાસબુક પ્રિન્ટર મશીન પણ વારંવાર બંધ રહેતા ખાતેદારો હેરાન પરેશાન 

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરા બેન્ક ઓફ બરોડાના ઈ-ગેલેરી રૂમમાં છેલ્લા બે માસથી બંને એસી બંધ: કાળઝાળ ગરમીમાં ગ્રાહકો પરસેવે રેબઝેબ, ડિજિટલ પાસબુક પ્રિન્ટર મશીન પણ વારંવાર બંધ રહેતા ખાતેદારો હેરાન પરેશાન 

 

મુંદરા, તા. ૧૩:

મુંદરા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા જે અગાઉ દેના બેન્ક તરીકે ઓળખાતી હતી તે સમગ્ર કચ્છ જિલ્લાની સૌથી જૂની બેંકોમાંની એક અને જિલ્લાની ‘લીડ બેંક’ તરીકેનું ગૌરવવંતું સ્થાન ધરાવે છે. આવી પ્રતિષ્ઠિત બેંકની મુંદરા શાખાની બહાર ગ્રાહકોની સુવિધા માટે ખાસ ઈ-ગેલેરી રૂમ બનાવવામાં આવ્યો છે જેમાં એટીએમ અને સેલ્ફ સર્વિસ પાસબુક પ્રિન્ટિંગ કિઓસ્ક ગોઠવવામાં આવ્યા છે. હાલ કાળઝાળ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે જ આ રૂમમાં લગાવેલા બંને એર કંડિશનર છેલ્લા બે મહિના જેટલા લાંબા સમયથી બંધ હાલતમાં ધૂળ ખાતા પડી રહ્યા છે. ધોમધખતા તડકા અને અસહ્ય ઉકળાટ વચ્ચે જ્યારે વડીલો, મહિલાઓ અને બાળકો પાસબુક પ્રિન્ટ કરાવવા કે નાણાં ઉપાડવા આ રૂમમાં આવે છે ત્યારે માત્ર થોડી જ મિનિટોમાં તેઓ પરસેવે રેબઝેબ થઈ જાય છે. ગરમીની મુખ્ય સિઝનમાં જ સુવિધા આપવાના બદલે આ બંને એસી બંધ થઈ જવા તે ગ્રાહકો માટે ભારે પીડા અને હાલાકીની બાબત બની ગઈ છે.

તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે તેમ આ ઈ-ગેલેરી રૂમ ખૂબ જ નાનો છે જ્યાં માત્ર એટીએમ મશીન, પ્રિન્ટર મશીન અને એકાદ-બે માણસો ઊભા રહી શકે એટલી જ જગ્યા છે. આટલી નાની જગ્યામાં જો માત્ર એક એસી પણ ચાલુ કરવામાં આવે તો પણ આખો રૂમ મિનિટોમાં ઠંડોગાર થઈ જાય તેમ છે. આમ છતાં, બે-બે એસી હોવા છતાં ગ્રાહકોને અસહ્ય ગરમી સહન કરવી પડી રહી છે.

આ અંગે વિગતો મેળવતા જાણવા મળ્યું છે કે સ્થાનિક બ્રાંચ દ્વારા નિયમ મુજબ ઉચ્ચ કક્ષાએ આ બંધ એસી અંગેની જાણ ખૂબ જ વહેલાસર કરી દેવામાં આવી છે. પરંતુ બેંકના વહીવટી નિયમોની મર્યાદાના કારણે કોઈ બ્રાંચ પોતાની રીતે સ્થાનિક કક્ષાએ ખાનગી કારીગર પાસે આ રિપેરિંગ કરાવી શકતી નથી અને ફરજિયાતપણે કંપનીના સત્તાવાર ટેકનિશિયનની જ રાહ જોવી પડે છે. મુંદરામાં સ્થાનિક સ્તરે એવા અનેક કુશળ કારીગરો ઉપલબ્ધ છે જે માત્ર બે જ કલાકમાં આ એસી ચાલુ કરી આપે તેમ છે પરંતુ બેંકિંગ નિયમોની આ આંટીઘૂંટીના લીધે બે-બે મહિનાથી ગ્રાહકો ગરમીમાં શેકાવા મજબૂર બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ એસી રૂમમાં ઠંડક મેળવવા કૂતરાઓ આરામ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

વધુમાં ગ્રાહકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે પૂર્વવર્તી દેના બેન્કમાંથી જ્યારે આ શાખા બેન્ક ઓફ બરોડામાં પરિવર્તિત થઈ ત્યારે શરૂઆતમાં બેંકની અંદર જ સ્ટાફ દ્વારા પાસબુકમાં સરસ રીતે એન્ટ્રી કરી આપવામાં આવતી હતી. ત્યારબાદ ખૂબ જ પ્રચાર-પ્રસાર સાથે ગ્રાહકોને ‘ડિજિટલ પાસબુક’ આપવામાં આવી જેથી બેંક બંધ હોય તો પણ ખાતેદારો ગમે ત્યારે બહાર રાખેલા મશીનથી પોતાની જાતે એન્ટ્રી કરી શકે. આ એક ખૂબ જ પ્રશંસનીય અને ડિજિટલ હેતુ હતો. પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ કોઈ ખાતેદાર આ મશીન પર એન્ટ્રી કરવા જાય છે ત્યારે મોટાભાગે આ પ્રિન્ટર મશીન ટેકનિકલ ખામીના કારણે બંધ જ જોવા મળે છે અને અહીં પણ ગ્રાહકોને “ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે” તેવો સરકારી જવાબ સાંભળવા મળે છે.

બીજી તરફ એક સરાહનીય બાબત એ પણ સામે આવી છે કે બેંકની અંદરના પણ અમુક એસી હાલ બગડી ગયા છે છતાં પણ બેંકનો સ્ટાફ ગ્રાહકોને અડચણ ન પડે તે માટે આવી અસહ્ય ગરમીમાં પણ કંપનીના કારીગરની રાહ જોતા જોતા ફરજ બજાવી રહ્યો છે અને ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપી રહ્યો છે. આ ઉપરાંત ગ્રાહકો માટે આ કાળઝાળ ગરમીમાં રાહત આપતા સમાચાર એ છે કે છેલ્લા ઘણા સમયથી બહાર આવેલા એટીએમ મશીનમાં રોકડની કોઈ અછત સર્જાતી નથી અને ગ્રાહકોને નિયમિત રીતે રૂ. ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ના દરની એકદમ કડક અને નવી નોટો ઉપાડવા મળી રહી છે જે બદલ બેન્ક ઓફ બરોડા તંત્ર ચોક્કસપણે અભિનંદનને પાત્ર છે.

કચ્છની લીડ બેંક ગણાતી આ શાખા કરોડો રૂપિયાનું ટર્નઓવર અને વિશાળ ગ્રાહક વર્ગ ધરાવે છે ત્યારે સ્થાનિક ખાતેદારો અને નગરજનો વતી ઉચ્ચ બેંક સત્તાધીશોને નમ્ર અપીલ છે કે ગ્રાહકોની સુવિધા અર્થે આ ઈ-ગેલેરીના બંને એસી અને પાસબુક પ્રિન્ટર મશીન તાકીદે યુદ્ધના ધોરણે રિપેર કરાવીને ચાલુ કરવામાં આવે જેથી સામાન્ય જનતાને આ આકરી ગરમીમાં મોટી રાહત મળી શકે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!