GANDHINAGARMORBIMORBI CITY / TALUKOWANKANER

GUJARAT:મહાકૌભાંડ: ગુજરાતની ભરતીઓમાં ‘જિનેટિક ચમત્કાર’ કે સેટિંગ? એક જ પિતાના બે જુડવા પુત્રોમાંથી મોટો ભાઈ OBC અને નાનો ભાઈ ST!

 

GUJARAT:મહાકૌભાંડ: ગુજરાતની ભરતીઓમાં ‘જિનેટિક ચમત્કાર’ કે સેટિંગ? એક જ પિતાના બે જુડવા પુત્રોમાંથી મોટો ભાઈ OBC અને નાનો ભાઈ ST!

વિજ્ઞાન અને કુદરતના નિયમો પણ ટૂંકા પડે અને કાયદાના લીરેલીરા ઊડી જાય તેવી અદભુત જાદુગરી ગુજરાતના વહીવટી તંત્રમાં જોવા મળી રહી છે. જ્ઞાતિ લોહીથી નક્કી થાય છે કે લોભથી? તેવો સણસણતો સવાલ અત્યારે ગુજરાતના શિક્ષિત અને દિવસ-રાત મહેનત કરતા યુવાનો પૂછી રહ્યા છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વસુંધરા ગામના એક જ પરિવારના બે સગા ભાઈઓએ જુદી-જુદી અનામત કેટેગરીનો લાભ મેળવીને સરકારી નોકરીઓ અંકે કરી હોવાનો સજ્જડ દસ્તાવેજી પુરાવા સાથેનો પર્દાફાશ થયો છે.

બે ભાઈઓ, બે અલગ કેટેગરી: કઈ રીતે? મળતી માહિતી અને સત્તાવાર દસ્તાવેજો અનુસાર, મોજે વસુંધરાના રેવાભાઈ હમીરભાઈ સરસૈયાના બે પુત્રો સરકારી રેકોર્ડ પર અલગ-અલગ જ્ઞાતિ ધરાવે છે:

મોટો ભાઈ (હરેશ રેવાભાઈ સરસૈયા): વર્ષ ૨૦૧૫-૧૬ની ભરતીમાં SEBC (OBC) કેટેગરી હેઠળ મહેસૂલ વિભાગમાં રેવન્યુ તલાટી તરીકે પસંદગી પામ્યા (હાલ મોરબી ખાતે ફરજ પર).

નાનો ભાઈ (નવઘણ રેવાભાઈ સરસૈયા): આ ભાઈ સીધા જ ST (અનુસૂચિત જનજાતિ – આદિવાસી) કેટેગરીનું પ્રમાણપત્ર મેળવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં જુનિયર ક્લાર્ક (જાહેરાત ક્રમાંક:-૨૭/૨૦૨૩-૨૪) તરીકે સિલેક્ટ થઈ ગયા!

નથી આ પરિવાર ઉમરગામથી અંબાજી પટ્ટીનો કે નથી ગીર, બરડો કે આલેચ વિસ્તારનો, છતાં નાનો ભાઈ કાગળ ઉપર ‘આદિવાસી’ બની ગયો. શું આ કોઈ નવો જિનેટિક ચમત્કાર છે કે પછી જે ભરતીમાં જે કેટેગરીનું મેરિટ નીચું અટકે, તે કેટેગરીનું બોગસ સર્ટિફિકેટ સેટ કરી લેવાનું સુનિયોજિત કૌભાંડ?

 

ડિજિટલ પુરાવો: ૧૫ વીઘા જમીન અને ઘરમાં તલાટીનો પગાર, છતાં મનરેગામાં ‘મજૂર’!

મામલતદાર કચેરીની ડિજિટલ સાઇનવાળો વસુંધરા ગામનો ગામ નમૂનો ૮-અ (ખાતા નંબર: ૪૮) આ સમગ્ર મામલામાં કૌભાંડનો સૌથી મોટો પુરાવો છે. આ દસ્તાવેજ મુજબ:

૧. આ પરિવાર પાસે ૪ સર્વે નંબરો મળીને કુલ ૫-૭૯-૭૧ હેક્ટર એટલે કે આશરે ૧૪ થી ૧૫ વીઘા ખેતીલાયક સંયુક્ત જમીન છે, જે કાયદાની નજરમાં તેમને ‘મોટા ખેડૂત’ બનાવે છે.

૨. હિન્દુ વારસાઈ ધારા મુજબ બંને ભાઈઓ આ જમીનના સંયુક્ત વારસદાર છે અને પિતા એક જ છે, જેથી બંનેની જ્ઞાતિ અલગ હોઈ જ ન શકે.

મનરેગા યોજનામાં પણ ખેલ:

ઘરમાં વર્ષ ૨૦૧૫થી એક ભાઈ ક્લાસ-૩ રેવન્યુ તલાટી તરીકે સરકારી પગાર મેળવે છે અને ૧૫ વીઘા જમીન છે, છતાં આ પરિવારે ગરીબ શ્રમિક બનીને વસુંધરા ગ્રામ પંચાયતમાં વ્યક્તિગત જમીન પર મનરેગા (MGNREGA) ના કામોના લાભો લેવા અરજીઓ કરી! આશ્ચર્યની વાત એ છે કે મનરેગાના ફોર્મમાં પણ નાનો ભાઈ નવઘણ પોતાની જ્ઞાતિ ST દર્શાવે છે અને બાકીના ભાઈઓ OBC દર્શાવે છે! સરકારી તિજોરીમાંથી નાણાં પડાવવા આ આખું તરકટ રચાયું હોવાના આક્ષેપો છે.

લોકશાહી સાથે રમત: અનામત સીટ પર ચૂંટણી પણ લડી લીધી!

આ મામલો માત્ર નોકરી પૂરતો સીમિત નથી. આ કૌભાંડ કેટલું પૂર્વયોજિત હતું તેનો પુરાવો એ છે કે ફેબ્રુઆરી ૨૦૨૧માં નવઘણ રેવાભાઈ સરસૈયાએ આ જ બોગસ ST પ્રમાણપત્રના આધારે વાંકાનેર તાલુકા પંચાયતની ૧-અરણીટીંબા બેઠક (જે અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી) પરથી ચૂંટણી પણ લડી હતી. આ લોકપ્રતિનિધિત્વ ધારા અને ચૂંટણી કાયદાઓનો ઘોર ભંગ છે.

ભારતીય ન્યાય સંહિતા (BNS) અને કડક કાયદા હેઠળ કાર્યવાહીની માંગ

આ સજ્જડ દસ્તાવેજી પુરાવાઓ સામે આવ્યા બાદ સામાજિક સંગઠનો અને યુવાનો દ્વારા નીચે મુજબની ઉગ્ર માંગણીઓ કરવામાં આવી છે:

હાઈ-લેવલ વિજિલન્સ તપાસ: બંને ભાઈઓના જ્ઞાતિના પ્રમાણપત્રોની તપાસ માટે તાત્કાલિક હાઈ-લેવલ કમિટી નીમવામાં આવે.

તાત્કાલિક સસ્પેન્શન અને બરતરફી: સાચા આદિવાસીઓ અને OBC ઉમેદવારોના પેટ પર લાત મારનારા આ બંને કર્મચારીઓને તુરંત સસ્પેન્ડ કરી, ગુનો સાબિત થતાં જ ‘ધ ગુજરાત પ્રોવિઝન ઓફ ફોલ્સ કાસ્ટ સર્ટિફિકેટ્સ એક્ટ’ હેઠળ નોકરીમાંથી કાયમ માટે બરતરફ (Dismiss) કરવામાં આવે.

પગારની વસૂલાત (Recovery): માનનીય સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ અનુસાર, બોગસ પ્રમાણપત્રના આધારે મેળવેલી નોકરી શરૂઆતથી જ ગેરકાનૂની ગણાતી હોવાથી, અત્યાર સુધી મેળવેલો તમામ પગાર વ્યાજ સાથે સરકારી તિજોરીમાં પરત વસૂલવામાં આવે.

ભ્રષ્ટ અધિકારીઓ સામે FIR: તમામ પુરાવા હોવા છતાં કઈ લિંક કે વગના આધારે STનું પ્રમાણપત્ર ઈસ્યુ કરાયું? તે મામલતદાર કે સક્ષમ અધિકારી સામે સામૂહિક કાવતરાની કલમો હેઠળ ગુનો દાખલ થાય.

BNS હેઠળ ફોજદારી ગુનો: ખોટા દસ્તાવેજો બનાવવા (Forgery), છેતરપિંડી (Cheating), અને ચૂંટણીમાં ખોટી ઓળખ ઊભી કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS, 2023) ની કલમ ૩૩૬, ૩૪૦, ૩૧૮, ૬૧, ૧hex, અને ૨૨૯ હેઠળ બિનજામીનપાત્ર ગુનો નોંધી FIR કરવામાં આવે.

“સાચો આદિવાસી અને ગરીબ ઉમેદવાર આજે કાગળો સાબિત કરવામાં મરી રહ્યો છે, અને આવા સેટિંગબાજો એસી કેબિનવાળી નોકરીઓ પચાવી પાડે છે. જો આગામી દિવસોમાં તટસ્થ તપાસ કરી કડક પગલાં લેવામાં નહીં આવે, તો સાચા આદિવાસી અને ઓબીસી સમાજના યુવા સંગઠનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને કાનૂની લડત લડવામાં આવશે.”

Back to top button
error: Content is protected !!