MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેતપર ગામે ખેતરમાં વીજ કંપનીના કામ સામે ઉગ્ર વિરોધ, મહિલાઓની ટીંગાટોળી, ત્રણ બસ ભરીને ખેડૂતોની અટકાયત

 

MORBI:મોરબીના જેતપર ગામે ખેતરમાં વીજ કંપનીના કામ સામે ઉગ્ર વિરોધ, મહિલાઓની ટીંગાટોળી, ત્રણ બસ ભરીને ખેડૂતોની અટકાયત

જેતપર ગામે આજે સતત બીજા દિવસે પણ વાતાવરણ ભારે તંગ અને વિસ્ફોટક બન્યું છે. વીજ કંપની દ્વારા આજે ફરી એકવાર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થાનિક ખેડૂતના ખેતરમાં કામગીરી શરૂ કરવામાં આવતા જ હોબાળો મચી ગયો હતો. પોતાની જમીન બચાવવા માટે આજે પણ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા, જેના કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે સામસામે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

મહિલાઓની ટીંગાટોળી અને અટકાયત

ખેતરમાં ઉતરી આવેલા વિરોધ પ્રદર્શનને ડામવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. પોતાના જ ખેતરમાં વિરોધ કરી રહેલી મહિલાઓને પોલીસે વીણી-વીણીને પકડી પાડી હતી અને તેમની ટીંગાટોળી કરીને ખેતરની બહાર ખસેડી હતી. આ ખેંચતાણ અને અફરાતફરી દરમિયાન એક મહિલા ખેડૂત અચાનક બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ: ૩ બસો ભરાઈ

સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસ અને ખેડૂતો વચ્ચે સતત ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતું રહ્યું હતું. આખરે મામલો થાળે પાડવા માટે પોલીસે આકરાં પગલાં ભરીને વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં ત્રણ જેટલી એસ.ટી. બસો ભરીને ખેડૂતો અને ગ્રામજનોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

ખેડૂતોનો આક્રોશ: “વીજ કંપની સંવેદનહીન”

આ સમગ્ર ઘટના દરમિયાન વિરોધ કરી રહેલા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, “મહિલા ખેડૂતનું મોત થતું હોય તો ભલે થાય, પણ વીજ કંપની પોતાનું કામ ચાલુ જ રાખશે” તેવી જીદ સાથે તંત્ર વર્તી રહ્યું છે. એટલું જ નહીં, એક તરફ ખેડૂતો રડી રહ્યા છે અને હેરાન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વીજ કંપનીના માણસો માત્ર દાંત કાઢીને (હસીને) આ બધી પરિસ્થિતિની મજા લઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો છે.

હાલ પૂરતું ખેડૂતોને પોતાના જ ખેતરમાંથી બહાર કરી દેવાયા છે અને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે વીજ કંપનીનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે, પરંતુ ગામમાં હજુ પણ અજંપાભરી શાંતિ અને ભારે રોષ વ્યાપેલો છે.

Back to top button
error: Content is protected !!