TANKARA:ટંકારાના મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડર,જમીન માપણીના વિવાદમાં કાકા-ભત્રીજાની હત્યા







TANKARA:ટંકારાના મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડર,જમીન માપણીના વિવાદમાં કાકા-ભત્રીજાની હત્યા



ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલી વાડીએ જમીન માપણીના સામાન્ય પ્રશ્ને શરૂ થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે તેમાં કાકા-ભત્રીજાની જોડીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. આ ડબલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને ગામમાં તણાવભરી શાંતિ વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મેઘપર ઝાલા ગામની સીમમાં જમીન માપણીને લઈને પક્ષકારો વચ્ચે વિવાદ ચાલતો હતો. આ બાબતે થયેલા ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને હથિયારો ઉછળ્યા હતા. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (કાકા) અને હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (ભત્રીજા) બંનેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનીક લોકો દોડી આવ્યા હતા અને બંને મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ (PM) અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડબલ મર્ડરના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ટંકારા સિવિલ હોસ્પિટલ પરિસરમાં વિવિધ રાજકીય અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

ગામમાં પોલીસ છાવણી: ઘટનાની ગંભીરતા અને લોકરોષને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. અપ્રિય ઘટના ન બને તે માટે મેઘપર ઝાલા ગામમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસે આ મામલે ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.


