GODHARAPANCHMAHAL

ગોધરાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્ર રાઉલજીને હોદ્દા પરથી દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત

વિકાસના નામે સત્તાનો દુરુપયોગ કરી ગંભીર નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ રામસિંહ રાઉલજી સામે ગંભીર નાણાંકીય ગેરરીતિ અને સત્તાના દુરુપયોગના આક્ષેપોને પ્રાથમિક સમર્થન મળતા ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેઓને હોદ્દા પરથી દૂર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને દરખાસ્ત કરવામાં આવી છે. જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અને વિસ્તરણ અધિકારીની તપાસ રિપોર્ટ બાદ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૫૭ હેઠળ આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

પઢીયાર ગામમાં ૧૫માં નાણાપંચ યોજના હેઠળ થયેલા વિકાસ કાર્યોના મટીરીયલ માટે ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ મારફતે જય માતાજી સપ્લાયર્સ નામની એજન્સીને ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવ્યું હતું. તપાસમાં ખૂલ્યું હતું કે આ જય માતાજી સપ્લાયર્સના પ્રોપરાઇટર ખુદ સરપંચ હરેન્દ્રસિંહ રાઉલજી જ છે. સરપંચની આ કાર્યવાહી ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૩૦(જ) નો સીધો ભંગ છે. આ ઉપરાંત, વિકાસના કામોમાં મજૂરીના નામે નાણાં સરપંચે પોતાના અંગત ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે

 

 

ગામમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવાયેલા ૧૬ ફૂટના સી.સી. રોડની બંને બાજુ થયેલા દબાણો દૂર કરવા માટે તલાટી દ્વારા તૈયાર કરાયેલી બીજી નોટિસ પર સરપંચે સહી કરવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ નોટિસ આપવા છતાં ખુદ સરપંચે પોતે કરેલું દબાણ દૂર કર્યું ન હતું અને ઉચ્ચ કક્ષાએથી નોટિસ આપી ખુલાસો માંગવામાં આવવા છતાં પોતાના બચાવમાં કોઈ જવાબ રજૂ કર્યો ન હતો. જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કર્યા બાદ વિસ્તરણ અધિકારી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી જેમાં આક્ષેપો સાચા ઠર્યા હતા. પોતાની ફરજ વિરુદ્ધમાં ઈરાદાપૂર્વક કામ કરી વારંવાર બેદરકારી દાખવવા બદલ આખરે તાલુકા પંચાયત કચેરી દ્વારા સરપંચને પદ પરથી હટાવવા દરખાસ્ત મોકલવામાં આવી છે.હવે જોવું રહયું કે જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે શુ નિર્ણય લે છે.

Back to top button
error: Content is protected !!