
તા.૧૩.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Limkheda:લીમખેડામા સ્મશાન મુદ્દે તંત્રનો છબરડો, જમીની હકીકત છુપાવવા રદિયાનું રાજકારણ
લોકોની વેદના દૂર કરવાને બદલે મામલતદાર અને ટીડીઓ દ્વારા ખોટા રદિયા આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, ગામના સ્મશાનનો મુદ્દો બાજુ પર રાખી અન્ય ગામના સ્મશાનના નામે લીપાપોતી લીમખેડામાં આઝાદીના 78 વર્ષ પછી પણ સ્મશાન જેવી પાયાની સુવિધાનો અભાવ હોવાનો મુદ્દો ગંભીર રીતે ઉઠાવ્યા બાદ હવે વહીવટી તંત્રની પોલ ખૂલી ગઈ છે. જનહિતના આ અહેવાલ બાદ લાજવાને બદલે ગાજી ઉઠેલા લીમખેડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) એ તથ્યોને તોડી મરોડીને એક રદિયો આપતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ પત્રમાં તંત્રએ લીમખેડા ગામના બદલે દૂરના અન્ય ગામોના સ્મશાનનું નામ આગળ ધરીને પોતાનું પાપ છુપાવવાનો અને ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓને ખુશ કરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે સમસ્યા સ્વીકારવાને બદલે સત્તાનો દુરુપયોગ સ્થાનિક તંત્રએ વાયરલ કરેલા રદિયામાં એવો દાવો કર્યો છે કે મોટા હાથીધરા અને પાલ્લી ગામમાં સ્મશાન આવેલા છે. હવે સવાલ એ થાય છે કે, શું લીમખેડાના નાગરિકોએ તેમના સ્વજનોની અંતિમવિધિ કરવા માટે બીજા ગામોમાં જવું જોઈએ? મામલતદાર અને ટીડીઓ કદાચ એ વાત ભૂલી ગયા છે કે દિવ્ય ભાસ્કરે લીમખેડા મુખ્ય મથકના સ્મશાન વિહોણા હોવા અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે, નહીં કે કોઈ અન્ય ગામના. પોતાની નિષ્ક્રિયતા ઢાંકવા માટે તંત્રએ આ પ્રકારની લુલી દલીલો કરી જનતાની મજાક ઉડાવી છે.વહીવટીતંત્ર દ્વારા ગેરમાર્ગે દોરવાનું કાવતરું તંત્રની આ કામગીરી લોકોની વેદના પર મીઠું ભભરાવવા સમાન છે. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને ગેરમાર્ગે દોરવા માટે તંત્રએ જે રીતે પાયાવિહોણી માહિતી રજૂ કરી છે, તે તેમના ડર અને કામચોરીની સાબિતી આપે છે. સ્થાનિક સ્તરે જવાબદારી સ્વીકારીને પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે સોશિયલ મીડિયા પર રદિયો વાયરલ કરીને પ્રજાના અવાજને દબાવવાનો જે પ્રયાસ કર્યો છે, તે અત્યંત નિંદનીય છે. આ માત્ર વહીવટી નિષ્ફળતા જ નહીં, પરંતુ પ્રજાના હિત સાથેનો સીધો દ્રોહ છે.વહીવટીતંત્રની લિપપોતી સામે જનતામા આક્રોશ લીમખેડાના લોકો છેલ્લા અનેક વર્ષોથી સ્મશાન માટે રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ તંત્ર માત્ર કાગળ પર કામગીરી બતાવી રહ્યું છે. જ્યારે મીડિયા દ્વારા સત્ય બહાર લાવવામાં આવે છે ત્યારે તંત્રને પોતાની ખુરશી ડગતી જણાય છે અને તરત જ ખોટા તથ્યો રજૂ કરીને બચાવ કરવામાં આવે છે. ગ્રામજનો પૂછી રહ્યા છે કે જો લીમખેડામાં સ્મશાનની કોઈ જરૂર જ નથી, તો અગાઉના ઈન્ટરવ્યુમાં ટીડીઓએ કેમ એમ કહ્યું હતું કે આગામી આયોજનમાં સ્મશાન બનાવી આપવામાં આવશે? એક તરફ વહેલી તકે સ્મશાન બનાવવાનું આશ્વાસન અને બીજી તરફ રદિયો આપીને ઇનકાર, તંત્રની બેવડી નીતિ હવે ખુલ્લી પડી ગઈ છે. જવાબદારી માંથી છટકવાની વહીવટીતંત્રની વૃત્તિ મામલતદાર અને ટીડીઓની આ ડાઘ-પીછોડું (લિપાપોતી) કરવાની વૃત્તિથી ગ્રામજનોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. શું સરકારી બાબુઓ માટે પ્રજાના દુઃખ કરતા પોતાની ઈમેજ સાચવવી વધુ મહત્વની છે? સ્મશાન માટેની જમીનનો પ્રશ્ન ઉકેલવા માટે જે મહેનત કરવાની હતી, તે મહેનત તંત્રએ રદિયો તૈયાર કરવામાં કરી હોત તો આજે કદાચ લીમખેડામાં પાકું સ્મશાન બની ગયું હોત. તંત્રની આ માનસિકતા દર્શાવે છે કે તેઓ જમીની હકીકતથી સંપૂર્ણપણે અજાણ છે અથવા તો જાણીજોઈને સત્યથી ભાગી રહ્યા છે.સત્યની જીત કે પછી વહીવટીતંત્રનો અહંકાર? હવે સવાલ એ છે કે શું વહીવટી તંત્ર આવી રીતે ખોટા પત્રો વાયરલ કરીને લોકોના અવાજને કાયમ માટે દબાવી દેશે? લીમખેડાના જાગૃત નાગરિકો હવે સ્પષ્ટપણે ઈચ્છી રહ્યા છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ મામલાની રૂબરૂ તપાસ કરે અને તંત્ર દ્વારા કરવામાં આવતી આ રમતનો પર્દાફાશ કરે. તંત્રના અધિકારીઓએ સમજવું જોઈએ કે સ્મશાન એ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ એક પાયાની જરૂરિયાત છે. પોતાનો અહંકાર છોડીને જો તંત્ર વિકાસના કામ પર ધ્યાન આપે તો જ લીમખેડાના લોકોને આ નર્ક જેવી સ્થિતિમાંથી મુક્તિ મળી શકે તેમ છે.





