MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગાયત્રી આશ્રમ નજીક અકસ્માતમાં ઘાસચારો વેચતા વૃદ્ધનું કરુણ મોત; બોલેરો ચાલક સામે ગુનો દાખલ

 

MORBI:મોરબી ગાયત્રી આશ્રમ નજીક અકસ્માતમાં ઘાસચારો વેચતા વૃદ્ધનું કરુણ મોત; બોલેરો ચાલક સામે ગુનો દાખલ

મોરબીના નવલખી રોડ પર આવેલા ગાયત્રી આશ્રમ સામે અને નેક્સસ સિનેમા નજીક માળીયા બાયપાસ રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રોડની સાઇડમાં ઊભા રહીને લીલું નિરણ (ઘાસચારો) વેચતા ૭૪ વર્ષીય વૃદ્ધને એક બેફામ સ્પીડે આવતી માલવાહક બોલેરો ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

મૃતક વૃદ્ધની ઓળખ પ્રભુભાઈ મુળજીભાઈ અગેચાણીયા (ઉંમર ૭૪ વર્ષ, રહે. ધુતારીવાડી વિસ્તાર, નવલખી રોડ, મોરબી) તરીકે થઈ છે. તેઓ બાયપાસ રોડ પર લીલું નિરણ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

૧૩ જૂનના રોજ સવારે તેઓ હંમેશની જેમ રોડની સાઈડમાં ઊભા હતા, ત્યારે મોરબી તરફથી માળીયા તરફ જઈ રહેલી એક સફેદ રંગની માલવાહક બોલેરો (રજી. નં. જીજે-૩૬-વી-૮૫૬૨) ના ચાલકે પોતાના કબજાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી પ્રભુભાઈને અડફેટે લીધા હતા.

આ ગંભીર ટક્કરને કારણે પ્રભુભાઈને ચહેરા પર, હાથમાં તેમજ બંને પગમાં મલ્ટીપલ ફ્રેક્ચર અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, તેમની સ્થિતિ વધુ નાજુક હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના સંબંધી મહેશભાઈ જેઠાભાઈ અગેચાણીયાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ફરાર બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!