
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
સામાજિક વનીકરણ વિભાગ, બીએસએફ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી ભુજની મધ્યમાં થશે વિશાળ વન કવચનું નિર્માણ
ભુજ,તા-૧૪ જૂન : એક પેડ મા કે નામ ૩.૦ અભિયાન અંતર્ગત આજરોજ કચ્છના પ્રભારીમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ બીએસએફ ૧૭૬ બટાલિયન પરિસર મુન્દ્રા રોડ ભુજ ખાતે નિર્માણ પામનારા વન કવચ અન્વયે ૩૦,૦૦૦ વૃક્ષના વાવેતરનો શુભારંભ કરાવ્યો હતો. આ વન કવચનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સુશાસન કાર્યકાળની ઉજવણીના ઉપલક્ષ્યમાં સામાજિક વનીકરણ વિભાગ કચ્છ, બીએસએફ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે. રાજ્યમંત્રી એ વૃક્ષારોપણ કરીને વાવેતરનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, ફળ ફળાદી વૃક્ષોના વાવેતરને પ્રાથમિકતા આપવામાં આવે જેથી મનુષ્યોની સાથે પશુ પક્ષીઓને પણ લાભ થાય.ઉલ્લેખનીય છે કે, સ્મૃતિવન પરિસરમાં મિયાવાંકી પદ્ધતિથી વન વાવેતરના સફળ પ્રયોગ બાદ હવે બીએસએફ પરિસરમાં ત્રીસ હજારથી વધારે વૃક્ષો સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા ઉછેરીને ભુજ શહેરની મધ્યમાં વન કવચનું નિર્માણ કરાશે. રાજ્યમંત્રી એ બીએસએફ જવાનોની વીરતા અને અદમ્ય સાહસને બિરદાવીને તેમની સાથે વૃક્ષારોપણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક જયનકુમાર પટેલે વન કવચ વિકાસના આયોજન અંગે રાજ્યમંત્રી ને માહિતગાર કર્યા હતા. રાજ્યમંત્રી ની સાથે તમામ મહાનુભાવો અને ઉપસ્થિત બીએસએફના જવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. બીએસએફ જવાનોને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, અગ્રણી ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોર, ધવલભાઈ આચાર્ય, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, બીએસએફ ડીઆઈજી યોગેન્દ્રસિંહ રાઠોડ, વન સંરક્ષક ધીરજ મિત્તલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.એચ.આલ સહિત બીએસએફ જવાનો અને વન વિભાગના કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












