
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા : 9 ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો, ₹ 2.18 લાખનો મુદ્દામાલ જપ્ત, 150 જેટલા CCTV જોતા મળી સફળતા, 49 ગુન્હાનો રીઢો આરોપી પણ સામેલ

અરવલ્લી જિલ્લા એલ.સી.બી.એ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાન પાર્લર, કેબિન અને ઈકો ગાડીઓની ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આંતરરાજ્ય ગેંગના એક સભ્યને ઝડપી પાડી કુલ 8 ઘરફોડ ચોરી અને 1 વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીની ઈકો ગાડી, પાન પાર્લરનો સામાન અને મોબાઈલ ફોન સહિત કુલ ₹ 2,18,665 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી એસ.પી. મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પીઆઈ એમ.એચ. ઝાલા અને ટીમે મોડાસા, સાકરીયા અને માલપુર-સોમપુર વિસ્તારમાં થયેલી ચોરીઓની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એક સફેદ રંગની નંબર વગરની મારુતિ ઈકો ગાડી શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. બાયડ-કપડવંજ રોડ પર બોરલ ગામની સીમમાં રોડ બ્લોક કરી પોલીસે ગાડી રોકવાનો પ્રયાસ કરતાં ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે ઉત્તર પ્રદેશના મૂળ વતની અને હાલ મહારાષ્ટ્રમાં રહેતા સીરાજ નુરમોહમદ જમીરમોહમદ શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો. ગાડીમાંથી મીણિયાના કોથળામાં ભરેલો બીડી, તમાકુ સહિત પાન પાર્લરનો સામાન મળી આવ્યો હતો.પૂછપરછ દરમિયાન આરોપીએ આનંદ જિલ્લાના કુખ્યાત જગદીશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ અને તેના સાથી સલમાન સાથે મળીને મોડાસા, સાકરીયા, માલપુર-સોમપુર, બાકોર, ભાવનગર, સાણંદ અને અમદાવાદના કેરાલા વિસ્તારમાં રોડ કિનારાની પાન પાર્લર દુકાનોમાં ચોરીઓ કર્યાની કબૂલાત આપી હતી. ગેંગ ચોરી બાદ નજીકમાં પાર્ક કરેલી ઈકો ગાડીઓ પણ ચોરી કરતી હોવાનું બહાર આવ્યું છે.પોલીસે આરોપી પાસેથી ₹1.50 લાખની ચોરીની મારુતિ ઈકો ગાડી, ₹ 58,665નો પાન પાર્લરનો સામાન અને ₹10 હજારનો મોબાઈલ મળી કુલ ₹2,18,665નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીને બાયડ પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર જગદીશ ઉર્ફે જીગો રાઠોડ અને સલમાન હજુ ફરાર છે.





