રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

21 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજે વિશ્વભરમાં ૧૭૭થી વધુ દેશો યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે:- મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી
Yoga for Healthy Ageing થીમ સાથે પાલનપુર શહેર બન્યું યોગમય: પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તથા રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, આજથી ૧૨ વર્ષ પહેલાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી વિશ્વને યોગ વિષે ભવ્ય ઓળખ મળી હતી. યુનાઇટેડ નેશન્સમાં તેમની અપીલને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સત્તાવાર જાહેરાત થઈ હતી. આજે આ વૈશ્વિક અભિયાનને સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાનશ્રી દ્વારા પશ્ચિમ બંગાળની પવિત્ર ધરતી પરથી વર્ચ્યુઅલી માધ્યમથી સમગ્ર દેશને એકતાના તાંતણે જોડવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વભરમાં ૧૭૭થી વધુ દેશો આ યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ દરેક જિલ્લાઓમાં આ પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વભરમાં યોગને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે, જે શારીરિક અને માનસિક સુખાકારી માટે અનિવાર્ય છે. મંત્રીશ્રી અને મહાનુભાવો તથા અધિકારીશ્રી અને કર્મચારીઓ અને નગરજનોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કર્યો હતો. આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા, સ્વસ્થ જીવન જીવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવજાતિના કલ્યાણ માટે આ વર્ષે “Yoga for Healthy Ageing” (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) અને “સ્વસ્થ જીવન માટે યોગ” ના અનોખા સંદેશ સાથે આ ઉત્સવનું સફળ આયોજન કરાયું હતું. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી સી.પી.પટેલ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી સામૂહિક ચેતના અને શાંતિનો દિવ્ય અનુભવ કર્યો હતો.











