MORBI મોરબીના જેતપર ખેડૂત આંદોલન: લોકડાયરામાં લોકસાહિત્યકાર હકાભા ગઢવી મેદાને, હજારોની જનમેદની ઉમટી




MORBI મોરબીના જેતપર ખેડૂત આંદોલન: લોકડાયરામાં લોકસાહિત્યકાર હકાભા ગઢવી મેદાને, હજારોની જનમેદની ઉમટી


મોરબી તાલુકાના જેતપર ગામે અદાણી કંપનીની વીજલાઇનના મુદ્દે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા ઉપવાસ આંદોલનને હવે વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. આ આંદોલનના સમર્થનમાં ગત રાત્રે યોજાયેલા ભવ્ય લોકડાયરામાં ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. હકાભા ગઢવીએ સ્ટેજ પરથી પોતાના આગવા અંદાજમાં ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવી સરકારને સત્વરે ન્યાય આપવા અપીલ કરી હતી.

પાર્કિંગમાં કિલોમીટરો લાંબી કતારો, બેઠક વ્યવસ્થા ખૂટી પડી ખેડૂતોના સમર્થનમાં યોજાયેલા આ ડાયરામાં મોરબી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો અને વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જનમેદની એટલી વિશાળ હતી કે સ્ટેજથી લઈને ગામના પાદર સુધી માનવમહેરામણ હિલોળે ચડ્યો હતો, જેના કારણે બેઠક વ્યવસ્થા પણ ઓછી પડી હતી. ડાયરાના સ્થળ તરફ જવાના રસ્તાઓ પર વાહનોનું કિલોમીટરો લાંબું પાર્કિંગ જોવા મળ્યું હતું.
‘જય જવાન, જય કિસાન’: ખેડૂતો દેશના અન્નદાતા છે લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ ડાયરા દરમિયાન જણાવ્યું હતું કે:”ખેડૂત એ આ દેશનો અન્નદાતા છે. દેશની સરહદ સાચવતો જવાન અને દેશનું ભરણપોષણ કરતો કિસાન, બંને દેશ માટે એક સમાન મહત્વ ધરાવે છે.”તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોના આ વ્યાજબી પ્રશ્નોનો સત્વરે અને સકારાત્મક ઉકેલ આવવો જ જોઈએ. આ સાથે જ તેમણે સરકારને નમ્ર અપીલ કરી હતી કે આંદોલન પર બેઠેલા ખેડૂતોની માગણીઓ સાંભળીને તેમને વહેલી તકે ન્યાય આપવામાં આવે.અદાણીની વીજલાઇન સામે ચાલી રહેલું આ ઉપવાસ આંદોલન હવે હકાભા ગઢવી અને હજારો લોકોના સમર્થન બાદ વધુ વેગવંતું બન્યું છે, અને સમગ્ર પંથકમાં આ વિરોધ પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું છે.



