‘ઓપરેશન સિંદૂર’ માં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા 6 જાંબાઝ જવાનોના નામો સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા

ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે ભારતીય સેના અને વાયુસેના દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવેલી ઐતિહાસિક સૈન્ય કાર્યવાહી ઓપરેશન સિંદૂરમાં દેશની માતૃભૂમિ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનારા 6 વીર જવાનોના નામો પહેલીવાર સત્તાવાર રીતે જાહેર કરીને તેમને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું છે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે આ બહાદુર શહીદોના નામ, રેન્ક અને તેમની યુનિટની વિગતો નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના ‘ત્યાગ ચક્ર’ પર હંમેશા માટે કોતરવામાં આવશે, જેથી તેમની શહાદત દેશવાસીઓના હૃદયમાં અમર બની રહે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, વર્ષ 2025 માં દેશના જુદા જુદા સૈન્ય ઓપરેશનોમાં શહીદ થયેલા જવાનોની યાદી સાથે ઓપરેશન સિંદૂરના આ 6 નાયકોના નામો જાહેર કરાયા છે. દેશના આ અમર શહીદોમાં સામેલ છે:
- સુબેદાર મેજર પવન કુમાર
- રાઇફલમેન સુનિલ કુમાર
- લાન્સ નાયક દિનેશ કુમાર
- અગ્નિવીર મુરલી નાયક
- હવાલદાર સુનિલ કુમાર સિંહ
- ભારતીય વાયુસેનાના (IAF) સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર
આઝાદી પછી દેશની રક્ષા માટે શહીદ થયેલા દરેક ભારતીય સૈનિકના નામ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની ગ્રેનાઈટની બનેલી ખાસ ગોળાકાર દિવાલો પર કોતરવામાં આવે છે, જેને ‘ત્યાગ ચક્ર’ કહેવામાં આવે છે. હવે ઓપરેશન સિંદૂરના આ છ બહાદુર દેશભક્તોના નામ પણ ત્યાં કાયમ માટે અંકિત થઈ જશે, જેનાથી આખા દેશની જનતા તેમની બહાદુરીને નમન કરી શકશે.





