ઘરેલુ ઝઘડામાં માતાથી અલગ કરાયેલી સાત મહિનાની બાળકીને ‘અભયમ’ ટીમે ગણતરીના કલાકોમાં માતા સાથે મિલાવી

પંચમહાલ ગોધરા
નિલેશકુમાર દરજી શહેરા 
ગોધરા તાલુકાના એક ગામમાં ઘરેલુ કંકાસના કારણે સાસરીવાળાઓ દ્વારા સાત મહિનાની માસૂમ બાળકીને તેની માતા પાસેથી બળજબરીપૂર્વક છીનવી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પિયરમાં રહેતી પરણિતા પાસેથી તેનો નશાખોર પતિ રાત્રિના સમયે ઝઘડો કરી બાળકીને ઉઠાવી ગયો હતો. આ મામલે પીડિત મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા, અભયમ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાયદાકીય માર્ગદર્શન અને અસરકારક કાઉન્સિલિંગ દ્વારા સાસરીવાળાઓ પાસેથી બાળકી હેમખેમ પરત અપાવી માતાનો ખોળો ફરી હર્યોભર્યો કર્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, ગોધરા નજીકના વિસ્તારમાં રહેતી પરણિતાના લગ્નને દસ વર્ષ થયા છે અને સંતાનમાં બે બાળકો છે. તેનો પતિ અવારનવાર નશો કરીને ઘરની કોઈ જવાબદારી ઉપાડતો ન હતો અને નશાની હાલતમાં મારઝૂડ કરી હેરાન કરતો હોવાથી કંટાળીને મહિલા છેલ્લા સાત મહિનાથી પોતાના પિયરમાં રહેતી હતી. તે દરમિયાન ગત રાત્રે તેનો પતિ નશાની હાલતમાં પત્નીના પિયર પહોંચ્યો હતો અને ત્યાં ભારે હોબાળો મચાવી, ઝઘડો કરીને સાત મહિનાની નાની બાળકીને પરાણે ઝૂંટવી પોતાની સાથે સાસરીમાં લઈ આવ્યો હતો. વહેલી સવારે જ્યારે પરણિતા પોતાની બાળકીને લેવા સાસરીમાં ગઈ ત્યારે તેના પતિ અને સાસુએ બાળકી આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને તેની સાથે ફરી ઝઘડો આદર્યો હતો. આખરે કોઈ રસ્તો ન જણાતા અસહાય માતાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો સંપર્ક સાધી રડતી આંખે મદદની ગુહાર લગાવી હતી.
માતાની આ વહારે આવેલી ગોધરા ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.અભયમ ટીમને જોઈને પરણિતાનો પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ સ્થળ પર હાજર તેની સાસુને ટીમે કાયદાનું ભાન કરાવ્યું હતું. અભયમ કાઉન્સિલરે સાસુને કડક શબ્દોમાં સમજાવ્યું હતું કે ઘરેલુ ઝઘડાના કારણે આટલી નાની બાળકીને તેની માતાથી અલગ ન રાખી શકાય. તદુપરાંત, બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવતા ટીમે જણાવ્યું કે સાત મહિનાની બાળકી માટે બહારનું દૂધ હાનિકારક છે અને તેને ફક્ત માતાનું દૂધ જ આપવું અનિવાર્ય છે. અભયમ ટીમની કાયદાકીય સમજાવટ અને સચોટ કાઉન્સિલિંગના અંતે સાસુને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેમણે બાળકી પોતાની માતાને સોંપી દીધી હતી. આમ, કલાકોના વિખૂટા પડ્યા બાદ કાળજાના ટુકડા સમાન માસૂમ દીકરી પરત મળતા માતા ભાવુક થઈ ગઈ હતી અને તેણે ૧૮૧ અભયમ ટીમની ત્વરિત અને સરાહનીય કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.






