ડીસા તાલુકામાં મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો

27 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આખોલ અને રબારી ગોળીયા ગામે નવા વર્ગખંડોના નિર્માણથી વિદ્યાર્થીઓને મળશે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ:- મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી શિક્ષણ દ્વારા જ બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન શક્ય: શિક્ષિત સમાજ રાષ્ટ્રના વિકાસ માટે અનિવાર્ય:મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસા તાલુકાના વિવિધ ગામોમાં શિક્ષણને પ્રોત્સાહન આપતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને વેગ આપતા કાર્યક્રમો યોજાયા હતા. મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ ડીસા તાલુકાના આખોલ અને રબારી ગોળીયા ગામે સરકારી શાળાઓના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરી શિક્ષણક્ષેત્રે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી. નવા વર્ગખંડોના નિર્માણથી વિદ્યાર્થીઓને આધુનિક, સુવિધાસભર અને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે, જે તેમના જ્ઞાનવર્ધન અને વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથે જ શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરી તેમને શિક્ષણયાત્રાના નવા પ્રારંભ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ ભડથ અને રમુણ પ્રાથમિક
તથા માધ્યમિક શાળામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણ સાથે સ્નેહસભર સંવાદ સાધ્યો હતો. તેમણે શિક્ષણને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો ગણાવતા જણાવ્યું હતું કે, આજનો વિદ્યાર્થી આવતીકાલના વિકસિત ભારતનો જવાબદાર નાગરિક છે. શિક્ષણ દ્વારા જ બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન શક્ય બને છે અને રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષિત સમાજ અનિવાર્ય છે.કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટોનું વિતરણ કર્યું હતું તેમજ “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછાં દસ વૃક્ષો વાવવા તેમજ તેનું જતન કરવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને રોપાઓનું વિતરણ કરી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણમાં સહભાગી બનવા પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો કરવા, શાળાઓમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા અભિયાનોના પરિણામે શાળામાં પ્રવેશદર વધ્યો છે અને ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિદ્યાર્થીઓના ચહેરા પર જોવા મળતો ઉત્સાહ અને આનંદ શિક્ષણ પ્રત્યે સમાજના વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે.આ કાર્યક્રમોમાં સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શિક્ષણ, સંસ્કાર અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણારૂપ બન્યા હતા.











