MORBI:મોરબીમાં ઇન્ટરકાસ્ટ-ઇન્ટર રિલિજન મેરેજ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી: સામસામે ફરિયાદ નોંધાઈ




MORBI:મોરબીમાં ઇન્ટરકાસ્ટ-ઇન્ટર રિલિજન મેરેજ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી: સામસામે ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરમાંથી આંતરજ્ઞાતીય (ઇન્ટરકાસ્ટ) અને આંતરધર્મીય (ઇન્ટર રિલિજન) લગ્નના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને અભ્યાસ કરતા જયરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા (ઉ.વ. ૨૬) એ આરોપી યુવરાજ ગઢવી (LL.B. સેમેસ્ટર-૩ નો વિદ્યાર્થી) તથા સાહિલ સુમરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી સાહિલે ફરિયાદી જયરાજસિંહને હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવા માટે કહ્યું હતું. જો કે, જયરાજસિંહે આ બાબતે ના પાડતા આરોપી સાહિલ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી સાહિલ અને યુવરાજ ગઢવીએ ભેગા મળીને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી શરીરે મૂઢ મારની ઈજાઓ પહોંચાડી હતી.
જ્યારે સામા પક્ષે મોરબીના વાવડી રોડ પર આવેલી સોમૈયા સોસાયટીમાં રહેતા અને અભ્યાસ કરતા સાહિલ દાઉદભાઈ સુમરા (ઉ.વ. ૨૩) એ આરોપી જયરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે.
સાહિલના જણાવ્યા મુજબ, તેના સાથી મિત્ર યુવરાજે આરોપી જયરાજસિંહને ઇંટર કાસ્ટ અને ઇંટર રીલીજીયન મેરેજ બાબતે પૂછ્યું હતું. આ સાંભળી આરોપી જયરાજસિંહે ‘હું મુસ્લિમ ધર્મના લગ્ન નથી કરાવી આપતો’ તેમ કહીને તેમની સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. જેમાં સાહિલને ગળા, માથા અને જમણા હાથના કાંડા પર તથા તેના મિત્ર યુવરાજને ગળા, છાતી અને બંને હાથના ભાગે મૂઢ ઈજાઓ થઈ હતી.લગ્ન જેવા સંવેદનશીલ મુદ્દે જાહેર રોડ પર થયેલી આ મારામારીને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે કાયદેસરનો ગુનો નોંધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.



