MORBI:મોરબીના ત્રાજપર ચોકડી પાસે જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક સામે કાર્યવાહી




MORBI:મોરબીના ત્રાજપર ચોકડી પાસે જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક સામે કાર્યવાહી

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા સ્પા સંચાલકો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસની ટીમે બાતમીના આધારે ત્રાજપર ચોકડી પાસે આવેલા એક સ્પામાં દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી-૨ ત્રાજપર ચોકડી ખાતે આવેલા ભગવતી એસ્ટેટ કોમ્પલેક્ષના બીજા માળે ‘લીલી સ્પા’ કાર્યરત છે. એસ.ઓ.જી. પોલીસની ટીમે જ્યારે અહીં રેડ પાડી ત્યારે તપાસ દરમિયાન સ્પા સંચાલક દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું.
તપાસમાં ખૂલ્યું હતું કે, સ્પાના સંચાલક/મેનેજર સંજયસિંહ પુષ્કરસિંહ નેગી (મૂળ રહે. ઉત્તરાખંડ, હાલ રહે. ત્રાજપર ચોકડી, મોરબી) દ્વારા સ્પામાં કામ કરતી ત્રણ મહિલા સ્પા વર્કર્સના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત, સ્પામાં સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ પણ નિયમ મુજબ રાખવામાં આવ્યું ન હતું.
જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે સ્પા સંચાલક સંજયસિંહ નેગીની અટકાયત કરી છે. આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) કલમ-૨૨૩ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.



