સંતરામપુરમાં ગટર કામગીરીથી ટ્રાફિક ઠપ્પ, ધૂળ અને અવ્યવસ્થાથી નગરજનો પરેશાન..

સંતરામપુરમાં ગટર કામગીરીથી ટ્રાફિક ઠપ્પ, ધૂળ અને અવ્યવસ્થાથી નગરજનો પરેશાન..
સબ હેડલાઇન:
વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી કામગીરી વચ્ચે વેપારીઓ, રાહદારીઓ અને દર્દીઓ મુશ્કેલીમાં; નગરપાલિકા અને પોલીસ સામે ઉઠ્યા સવાલો???!!!

સંતરામપુર નગરમાં વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી ગટર લાઇનની કામગીરી હવે નગરજનો માટે મુશ્કેલીનું કારણ બની રહી હોવાનું જોવા મળી રહ્યું છે. મુખ્ય માર્ગો પર ખોદકામ, માટીના ઢગલા, રેતી, કપચી અને બાંધકામ સામગ્રીના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે.

નગરના અનેક વેપારીઓ અને રહેવાસીઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી દુકાનો આગળ ખોદકામ અને માટીના ઢગલા લાંબા સમય સુધી પડ્યા રહે છે. માટી સુકાઈ જતાં ધૂળની ડમરીઓ ઉડે છે, જેના કારણે વેપારીઓ તેમજ ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધૂળના કારણે શરદી, ખાંસી, ગળામાં તકલીફ જેવી સમસ્યાઓ પણ વધી રહી છે. બીજી તરફ રોડ પર બાંધકામ સામગ્રી પડેલી હોવાના કારણે અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે, જેમાં દર્દીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નગરજનોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ દ્વારા પૂરતી કામગીરી થતી નથી અને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ પણ સ્થળ પર ભાગ્યે જ જોવા મળે છે. પરિણામે લોકોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
હવે સવાલ એ છે કે જનહિતના આ કામને ઝડપથી અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે તંત્ર શું પગલાં ભરશે? નગરજનોને ધૂળ, ટ્રાફિક અને અવ્યવસ્થામાંથી ક્યારે રાહત મળશે તે જોવાનું રહ્યું.
બોક્સ ન્યૂઝ
પ્રજાનો સવાલ:
વિકાસના કામ સાથે વ્યવસ્થાનું શું?
સંતરામપુરમાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી જનહિતમાં થઈ રહી છે, પરંતુ કામગીરી દરમિયાન ઊભી થયેલી સમસ્યાઓ સામે તંત્રનું આયોજન ક્યાં છે તેવો સવાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે.
રોડ ખોદકામ, માટીના ઢગલા, ધૂળની સમસ્યા અને ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિઓ વચ્ચે વેપારીઓના ધંધા ઉપર અસર પડી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
નગરજનોનો પ્રશ્ન છે કે વિકાસના કામ જરૂરી છે, પરંતુ શું તે દરમિયાન જનતાને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવી જોઈએ?
✍️ રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર



