DAHODDAHOD CITY / TALUKO

દાહોદ ડોકી સબ જેલમાં કેદીઓ માટે ‘બચપન કી યાદે’ (વર્ષાઋતુ રમત મહોત્સવ)નું આયોજન કરાયું 

તા.૨૮.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ડોકી સબ જેલમાં કેદીઓ માટે ‘બચપન કી યાદે’ (વર્ષાઋતુ રમત મહોત્સવ)નું આયોજન કરાયું

જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ સાહેબ, નાયબ જેલ મહાનિરીક્ષક આર.પી. બારોટ સાહેબ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજકુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર “સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન” અભિયાન અંતર્ગત આજરોજ દાહોદ સબ જેલ ખાતે વર્ષાઋતુના આગમન નિમિત્તે બંદીવાનો માટે વર્ષાઋતુ રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રમત મહોત્સવમાં દેડકાકૂદ, સંગીત ખુરશી, કોથળા દોડ તથા લીંબુ-ચમચી જેવી પરંપરાગત અને મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બંદીવાનોએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જ્યારે અન્ય બંદીવાનોએ પણ સહભાગી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યો રહ્યો હતો.જેલ અધિક્ષક એમ. એલ. ગમારાએ જણાવ્યું હતું કે વર્ષાઋતુ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ પરંપરાગત રમતો રમવાનો પ્રચલિત રિવાજ છે, જે વર્ષાઋતુના આગમનને આવકારવાની ભાવના સાથે જોડાયેલો છે. દાહોદ સબ જેલમાં મોટાભાગના બંદીવાનો ગ્રામિણ વિસ્તારના તેમજ યુવાવયના હોવાથી તેઓમાં સકારાત્મકતા, સહભાગિતા અને આનંદની ભાવના વિકસે તે હેતુથી આ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિજેતા બંદીવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આવા રચનાત્મક કાર્યક્રમો દ્વારા બંદીવાનોને તેમના બાળપણની મીઠી યાદો અને મિત્રતા સાથે જોડાયેલી સંસ્મૃતિઓ તાજી થાય, તેઓમાં સકારાત્મક પરિવર્તન આવે, ભવિષ્યમાં ગુનાખોરીથી દૂર રહી સમાજના જવાબદાર અને સારા નાગરિક તરીકે જીવન જીવવા માટે પ્રેરણા મળે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે

Back to top button
error: Content is protected !!