GUJARAT

આદિવાસી ખેડૂતોના જમીન રેકોર્ડની વિસંગતતાઓ દૂર કરવા સરકાર વિશેષ ઝુંબેશ ચલાવવા ડો. નિરવ પટેલની માંગ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

 

૭/૧૨ની ભૂલો, ટાઈટલ ડીડનો અભાવ અને માપણીની ખામીઓના કારણે હજારો આદિવાસી ખેડૂતો સરકારી યોજનાઓથી વંચિત; ચાર મહત્વના સૂચનો સાથે સરકાર સમક્ષ રજૂઆત

 

અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પેઢીઓથી પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતોને આજે પણ જમીનના કાયદાકીય દસ્તાવેજો, ૭/૧૨ના ઉતારામાં વિસંગતતાઓ અને ટાઈટલ ડીડના અભાવ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે તેઓ સરકારની કૃષિ સહાય, સબસિડી અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત રહી રહ્યા છે. આ ગંભીર પ્રશ્નના કાયમી નિરાકરણ માટે સમસ્ત આદિવાસી સમાજના યુથ  લીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલે રાજ્ય સરકાર સમક્ષ વિશેષ રજૂઆત કરી છે.

 

ડો. પટેલે જણાવ્યું કે અંગ્રેજોના સમયથી આદિવાસી પરિવારો જંગલ અને તેની આસપાસની જમીન પર પરંપરાગત રીતે ખેતી કરતા આવ્યા છે. પરંતુ તે સમયની વહીવટી અજ્ઞાનતા અને બાદમાં સર્જાયેલી કાયદાકીય જટિલતાઓને કારણે અનેક પરિવારો પોતાની પૌત્રિક જમીનના માલિકી હકના દસ્તાવેજો મેળવી શક્યા નથી. પરિણામે આજે પણ હજારો ખેડૂતોના ૭/૧૨ના ઉતારામાં નામની ભૂલો, પેઢીનામું નોંધાવવાની સમસ્યાઓ અને જમીનની સરહદો અંગે વિવાદો યથાવત્ છે.

 

તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જમીનની કિંમતોમાં થયેલા વધારા અને સરકાર દ્વારા આપવામાં આવતી કૃષિ સહાય યોજનાઓ વચ્ચે જમીનના રેકોર્ડમાં રહેલી ખામીઓ આદિવાસી ખેડૂતો માટે સૌથી મોટો અવરોધ બની છે. નાના અને સીમાંત ખેડૂતો યોગ્ય દસ્તાવેજોના અભાવે સબસિડી, બિયારણ, ખાતર સહિતની અનેક યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. બીજી તરફ અગાઉ થયેલી ખોટી માપણીના કારણે ભાઈ-ભાઈ અને પરિવારજનો વચ્ચે જમીન વિવાદો પણ વધી રહ્યા છે.

 

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ડો. નિરવ પટેલે સરકાર સમક્ષ ચાર મહત્વના સૂચનો રજૂ કર્યા છે.

 

* વિશેષ આદિવાસી જમીન સુધારણા ઝુંબેશ ચલાવી તાલુકા કક્ષાએ કેમ્પ યોજી ૭/૧૨ના ઉતારામાં રહેલી ભૂલો, ક્ષેત્રફળની ખામીઓ અને વારસાહક નોંધણીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવી.

* સરળ કાયદાકીય પુરાવા પદ્ધતિ અપનાવી વર્ષોથી ખેતી કરતા હોવાના પરંપરાગત પુરાવા, જૂના પંચનામા અને સ્થાનિક સાક્ષીઓને માન્યતા આપીને માલિકી હક (ટાઈટલ ડીડ) આપવાની પ્રક્રિયા સરળ બનાવવી.

* આધુનિક ટેક્નોલોજી દ્વારા રિ-સર્વે હાથ ધરી ડ્રોન સહિતની આધુનિક પદ્ધતિથી સરકારી ખર્ચે જમીનની સચોટ માપણી કરીને સરહદો નક્કી કરવી, જેથી વર્ષોથી ચાલતા કૌટુંબિક વિવાદોનો અંત આવે.

* વચગાળાની રાહત વ્યવસ્થા તરીકે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતના ખેતી સંબંધિત દાખલાના આધારે આદિવાસી ખેડૂતોને કૃષિ સબસિડી, બિયારણ અને ખાતર સહિતની સરકારી સહાય ઉપલબ્ધ કરાવવી.

 

ડો. પટેલે ભારપૂર્વક જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં જમીનનો પ્રશ્ન માત્ર કાયદાકીય નહીં પરંતુ સામાજિક અને આર્થિક ન્યાય સાથે જોડાયેલો અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. સરકાર જો આ દિશામાં વિશેષ ઝુંબેશ ચલાવી સમયબદ્ધ કાર્યવાહી કરશે તો હજારો આદિવાસી પરિવારોને ન્યાય મળશે, જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો થશે અને ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે વધુ સશક્ત બની શકશે.

 

સમસ્ત આદિવાસી સમાજની લાગણીને વાચા આપતાં ડો. નિરવ પટેલે સરકારને આ પ્રશ્નને પ્રાથમિકતા આપી વહીવટી અને ન્યાયિક સ્તરે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!