
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં જુગાર પર પોલીસનો દરોડો – પહાડિયા ગામે જુગાર રમતા બે આરોપી ઝડપાયા, ચાર વોન્ટેડ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પહાડીયા ગામની સીમમાં તીનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મેઘરજ પોલીસે સફળ દરોડો પાડી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ, મોબાઇલ ફોન અને ગંજીપાના સહિત કુલ ₹ 12,910 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા જુગાર અને પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. નિનામાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મેઘરજ તાલુકાના પહાડીયા ગામની સીમમાં આવેલી ઝાડી-ઝાખરાની અવાવરૂ જગ્યાએ કેટલાક લોકો ગંજીપાનાથી તીનપત્તિનો જુગાર રમી રહ્યા છે.બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ચાર આરોપીઓ પોલીસને જોઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી જુગારમાં વપરાતી રોકડ રકમ, બે મોબાઇલ ફોન અને ગંજીપાના સહિત કુલ ₹ 12,910નો મુદ્દામાલ કબજે કર્યો છે.પકડાયેલા આરોપીઓમાં રમણભાઈ જયંતિભાઈ કટારા અને ગોવિંદભાઈ ભુપતભાઈ ફણેસા, બંને પહાડીયા ગામના રહેવાસીઓનો સમાવેશ થાય છે. જ્યારે પુનમભાઈ કાળુભાઈ ખાંટ, મુકેશભાઈ ખાત્રાભાઈ નિનામા, અશોકભાઈ બાલાભાઈ ફણેસા અને રવિભાઈ કાળુભાઈ કટારાને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.મેઘરજ પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



