શહેરામાં અખંડ સૌભાગ્યની કામના સાથે વડ સાવિત્રી વ્રતની હર્ષોલ્લાસભેર ઉજવણી: મહિલાઓએ વડલાની પૂજા કરી ધન્યતા અનુભવી

પંચમહાલ ગોધરા
નિલેશકુમાર દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આજે પરંપરાગત અને શ્રદ્ધાપૂર્વક વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. નગરની પરિણિત મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિની કામના સાથે વડ સાવિત્રીનું વ્રત રાખીને વડલાના વૃક્ષની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી. વહેલી સવારથી જ શહેરાના વિવિધ વિસ્તારોમાં આવેલા વડના વૃક્ષો પાસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પૂજા સામગ્રી સાથે ઉમટી પડી હતી. મહિલાઓએ વડલાની પ્રદક્ષિણા કરીને સુતરનો દોરો લપેટી અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરી હતી અને વ્રત રાખીને ધન્યતાની અનુભૂતિ કરી હતી.
ભારતીય સંસ્કૃતિમાં વડ સાવિત્રી વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ અને અનોખો મહિમા રહેલો છે. પૌરાણિક કથા અનુસાર, સતી સાવિત્રીએ પોતાના દઢ સંકલ્પ, પતિવ્રતા ધર્મ અને ચતુરતાથી યમરાજ પાસેથી પોતાના મૃત પતિ સત્યવાનના પ્રાણ પરત મેળવ્યા હતા. સાવિત્રીએ વડના વૃક્ષ નીચે જ પોતાના પતિને પુનઃજીવિત કર્યા હોવાથી આ વૃક્ષ પૂજનનો મહિમા સવિશેષ છે. વડનું વૃક્ષ દીર્ઘાયુ, સ્થિરતા અને અક્ષય સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, જેના કારણે મહિલાઓ આ દિવસે વ્રત રાખીને પોતાના અખંડ સૌભાગ્ય અને પરિવારના કલ્યાણ માટે આશીર્વાદ મેળવે છે. શહેરા નગરમાં ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયેલી આ ઉજવણીમાં વડીલોથી લઈને નવવધૂઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.






