બેંક અને ગ્રાહક વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બનવો જોઈએ

બેંક અને ગ્રાહક વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બનવો જોઈએ
આજના ડિજિટલ યુગમાં બેંકિંગ સેવાઓ સામાન્ય નાગરિકના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. પેન્શન મેળવવાથી લઈને ઓનલાઈન વ્યવહાર, સરકારી સહાય, મોબાઈલ બેન્કિંગ અને ATM જેવી સેવાઓ હવે દૈનિક જીવનની જરૂરિયાત બની ગઈ છે. પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં એવા ગ્રાહકો છે, ખાસ કરીને ગામડાઓમાં રહેતા વૃદ્ધો, પેન્શનધારકો, વિધવા બહેનો અને ડિજિટલ ટેકનોલોજીથી અજાણ લોકો, જેઓ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરે છે
આવા સમયે બેંકના કર્મચારીઓ અને BC Point સંચાલકો માત્ર સેવા પ્રદાતા જ નહીં, પરંતુ ગ્રાહકો માટે માર્ગદર્શકની ભૂમિકા પણ ભજવે છે. ગ્રાહક બેંકમાં કોઈ મુશ્કેલી લઈને આવે ત્યારે તેને યોગ્ય માર્ગદર્શન, સન્માનજનક વ્યવહાર અને સમયસર સહાય મળે તે અત્યંત જરૂરી છે. ઘણીવાર ગ્રાહકોને નાની-નાની પ્રક્રિયાઓ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. જેના કારણે સમય અને નાણાંનો વ્યય થાય છે. જો પ્રથમ મુલાકાતે જ ગ્રાહકને સંપૂર્ણ માહિતી અને યોગ્ય માર્ગદર્શન મળી જાય તો તેની સમસ્યાનું ઝડપી નિરાકરણ શક્ય બને છે. બેંકિંગ ક્ષેત્રમાં ગ્રાહકનો વિશ્વાસ એ સૌથી મોટી મૂડી છે.
ગ્રાહકને માન-સન્માન સાથે સાંભળવામાં આવે, તેની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવે અને શક્ય તેટલી ઝડપથી ઉકેલ આપવામાં આવે તો બેંક પ્રત્યેનો વિશ્વાસ અનેકગણો વધી શકે છે. તે જ રીતે ગ્રાહકોની પણ ફરજ છે કે તેઓ બેંકના નિયમોનું પાલન કરે, જરૂરી દસ્તાવેજો સાથે આવે અને બેંકિંગ પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ કરે. બેંક અને ગ્રાહક એકબીજાના વિરોધી નથી, પરંતુ એકબીજાના પૂરક છે. બંને વચ્ચે વિશ્વાસ, સહકાર અને સંવાદનું મજબૂત બંધન રચાશે ત્યારે જ ડિજિટલ બેંકિંગનો સાચો લાભ સમાજના છેવાડાના માણસ સુધી પહોંચી શકશે. આજની જરૂરિયાત કોઈ વિવાદ ઊભો કરવાની નથી, પરંતુ એવી વ્યવસ્થા ઊભી કરવાની છે જેમાં ગ્રાહકનો સમય બચે, તેને યોગ્ય સેવા મળે અને બેંક પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને.
✍️ રિપોર્ટર… અમીન કોઠારી… મહીસાગર



